સુરત
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, લોકોના ઘરે ભંગારમાં પડેલી ક્ષતિગ્રસ્ત સાયકલો મેળવીને રિપેરીંગ કરી આજે ૩૫ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી ત્યારે એમના ચહેરા પર સ્મિત રેલાયું એ આ પ્રોજેક્ટની સફળતા છે. સાયકલિંગથી સ્વાસ્થ્ય જળવાય છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. વિદ્યાર્થીઓ સ્વસ્થ પણ રહેશે અને પર્યાવરણની રક્ષામાં પણ સહભાગી બનશે. આગામી એક વર્ષ દરમિયાન ૧૦૦૦ વ્યક્તિઓને સાયકલની ભેટ આપવાનો અમારો સંકલ્પ છે. જેમાં સહયોગી બનવા માટે નાણાકીય દાનની જરૂર નથી, પરંતુ જૂનીપુરાણી સાયકલ આપીને સેવાકાર્યમાં લોકો યોગદાન આપી શકે છે. ઈનરવ્હીલ ઈસ્ટ સંસ્થાના પ્રેસિડેન્ટ જયશ્રીબેન ભાલાળાએ જણાવ્યું હતું કે, સાયકલને સામાન્ય માણસનું વાહન ન ગણતા એક ઉપયોગી સંશાધન ગણી તેનો વપરાશ વધે સાથે સાયકલના ફાયદા અંગે જનજાગૃતિ માટે લોકો અને સંસ્થાઓએ આગળ આવવું જાેઈએ. વધુમાં આજના સમયની ટ્રાફિકની વિકટ સમસ્યાને પણ હળવી કરી શકાય. આ પ્રસંગે સુરતના બાયસિકલ મેયર તરીકે ઓળખાતા સુનિલ જૈને સુરતીઓને જૂની બિનઉપયોગી સાયકલનું દાન આપવાં અપીલ કરતા જણાવ્યું કે, જૂની સાયકલ આપવા માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજની ઓફિસનો સંપર્ક કરી શકાશે. જેથી વધુમાં વધુ લોકોને સાયકલની નિઃશુલ્ક ભેટ આપીને તેમની ખુશીનું કારણ બની શકાય છે.સુરત મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા જૂની અને બિનઉપયોગી સાયકલો મેળવી તેને રિસાયકલ કરી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આપવાનો અનોખો ‘પ્રોજેક્ટ રિસાયકલ’ શરૂ કરાયો છે. આ ઝુંબેશમાં સહભાગી થઈને ‘ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ’ની બહેનોએ પુણા ગામની એલ.પી.ડી. હાઈસ્કૂલના ૩૫ વિદ્યાર્થીઓને સાયકલના રૂપમાં દિવાળીની અનોખી ભેટ આપી હતી. રિસાયકલ થયેલી સાયકલ મળવાથી આ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતાં.
