Gujarat

હા આ હાઈટેક યુગમાં આપને જ્યારે કોઈ આપણી આજથી પચાસ વર્ષ પૂર્વેની ગામઠી સંસ્કૃતિનું સ્મરણ કરાવે ત્યારે કેવું લાગે? એવી જ એક દેહાતી લગ્ન પ્રસંગની પ્રથા ડોબરીયા પરિવારે જાળવી રાખી છે. આખરે પરંપરા અને મૂલ્યોનો સવાલ છે..જાને દીતલાથી નેસડી બળદગાડાંમાં પ્રસ્થાન કર્યું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એ ગામઠી સંસ્કૃતિ અને રીતરિવાજ પણ કેવાં અનોખા હતાં.. હેતાળ મનનાં માનવી લગ્ન શુભ પ્રસંગે જે મજા માણતાં તે આજે હાઈટેક યુગમાં લુપ્ત થતી જાય છે. પેલાં તો બળદગાડાં જોડીને વઢિયારાં ઢાંઢા, ગાડાં પર ભરત ભરેલો માફો, બળદને ભાતીગળ ઝૂલ, ગળે ઘુઘરાંનો ઘમકાર, ગાડાના તળિયે જારનું મુલાયમ બાટુ, અને તેની બુંગણ અને ઉપર રાતીચોળ રજાઈ.!!ગાડાનાં જમણે આડે વરરાજા કલગી સાફો અને ખભે ઉભી તલવાર રાખીને બેઠાં હોય ત્યારે એ વૈવાહિક પ્રસંગનું અદ્ભૂત દ્રશ્ય સર્જાતું જોવાનો પણ એક અનોખો લ્હાવો હતો.. આમ એ
વેલડું/બળદગાડું, ચોરણી/સુરવાલ, ગાડાખેડુ/ગાડુંહાકનાર, માફો/ગાડાનું હુડ, બાટુ/ઢોરનો ચારો, બુંગણ /પાથરવા માટે લંબચોરસ કાપડ, આડે(આડું) /હાંકનારની પાછળનો ભાગ વગેરે ગામઠી અને તળપદાં શબ્દો સાથે વિવાહની એ અનેરી પધ્ધતિ એક અનોખું આકર્ષણ જમાવતું જોવા મળતું.. આ શહેરીકરણ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનાં પવને આ તમામ બાબતો આજે ઈતિહાસનાં પાનામાં જ દેખાય છે. આજે જાન હેલીકોપ્ટર જેવાં અત્યંત આધુનિક વાહનોમાં પણ જોવા મળે છે ત્યારે આપણી એ ગામઠી માટીની મહેંક તેનાં ભંડારાયેલાં વૈવિધ્યસભર વારસાને યાદ કરે છે.. હા, હજુ પણ ક્યાંક કોઈ ખૂણામાં આપણી એ રજવાડી ઠાઠની મહેંક આવે છે ખરી..
હા આ વાત છે. આજથી પચાસ વર્ષ પૂર્વેની એ ગામઠી સંસ્કૃતિ, રીતરિવાજ  અને રૂઢિગત પરંપરાને જાળવી રાખવાની આજથી પચાસ વર્ષ પહેલા ની પરંપરા સાવરકુંડલા નજીક આવેલ દિતલા ગામના ડોબરિયા પરિવાર એ જાળવી અને શણગારેલા બળદ ગાડામાં નેસડી મુકામે જાન પરણવા ગઈ. અનોખી જાન સાદું બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે દીતલા ગામના ડોબરિયા પરિવાર ત્રણ મહિનાની સખત મહેનત કરી બળદ અને ગાડા ને શણગારવા માટે ના દેશી ભરત અને ઝુલો શોધી આજથી પચાસ વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટે નો પ્રયત્ન  લલિતભાઇ ડોબરિયા પરિવાર સફળ કરી બતાવ્યું  પોતાના પુત્રના લગ્ન ની જાન બળદગાડામાં જોડી શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને  દેશીભરત કામ થી બળદોને શણગાર્યા તેમજ અવનવી સાડીઓથી પણ બળદગાડાની શણગારવામાં આવ્યાં અને ૯ જેટલા બળદગાડાની જાડેરી જાન દિતલાથી નેસડી આવી પહોંચી..
નાનપણમાં દાદાજીની વાતોમાં એવું સાંભળવા મળતું કે અમારા લગ્ન બળદગાડામાં થયા હતા ત્યારે નાની ઉંમરના બાળકને બળદગાડામાં લગ્ન કેવી રીતે થતાં હશે કેવી રીતે બળદગાડામાં જાન જાતી હશે એ વાતોમાં રસ પડ્યો અને એક તમન્ના જાગી કે મારે પણ મારા લગ્ન બળદગાડામાં જાન જોડીને કરવા છે આખરે આ ડોબરીયા પરિવારના પુત્ર ને આ સપનું સાકાર કરવાનો અવસર મળ્યો અને બળદગાડામાં બેસીને પરણવા જવાનું એક અનોખો રોમાંચ અને અનુભવ થયો તેમજ પ્રકૃતિના દર્શન કરતા કરતા દેશી લગ્ન ગીત અને બળદના રણકતા ઘૂઘરાનો અવાજ એ મુસાફરી કંઈક અનોખી જ અનુભવવા મળી. સામાન્ય રીતે અત્યારે લગ્નગાળાની સીઝનમાં વિવિધ પ્રકારના વાહનો મારફતે આપણે લગ્નમાં જતા હોઈએ છીએ જાનમાં જતા હોઈએ છીએ પરંતુ ગાડામાં બેસીને જાનમાં જવું એ એક અનોખો જ અનુભવ હોય છે ખાસ કરીને અત્યારના સમયમાં અને નવી પેઢીને આ અનુભવ ખૂબ જ ગમ્યો અને નવી પેઢી પણ ગાડામાં બેસીને જાનમાં જવાની સલાહ પણ આપે છે..
પોતાની જાન બળદગાડામાં આવી રહી છે તેનું ગૌરવ અને આનંદ પરણિતાને છે જ. નવી પેઢીને બળદગાડાની પરંપરાથી અવગત કરાવવા માટેના સસુર પક્ષના પ્રયાસને માત્ર કન્યાપક્ષ નહીં પરંતુ સમગ્ર ગામે એનો અનુભવ કર્યો આનંદ માણ્યો અને ગામ હિલોળે ચડ્યું ત્યારે બળદગાડાની પરંપરા અને એ જાન ખરેખર જોવા જેવી અને માણવા જેવી હોય છે.
હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે કોઈ હેલિકોપ્ટરમાં તો કોઈ લક્ઝરી બસમાં અને ફોરવીલ માં પોતાના પુત્રને પરણાવવા જઈ રહ્યા છે ત્યારે આ સમયમાં આજથી પચાસ વર્ષ પૂર્વેની શણગારેલાં બળદ ગાડામાં જાન લઈ જવાની પરંપરાને જાળવી નવી પેઢીને એક અનોખો અને રોમાંચિત કરનારો અનુભવ કરાવ્યો છે જે ખુબ જ સરાહનીય છે..

IMG-20211207-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *