અમદાવાદ
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા, સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી એની ગોપનીયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી છેરવિવારે લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ એની કબૂલાત કરી છે. આ મામલે અત્યારસુધીમાં ૬ લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે. અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જાે તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જાેઈએ. પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે, પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને ૧૦થી ૧૫ લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વિસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી. એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
