Gujarat

૧.૮૩ કરોડના કોન્ટ્રાક્ટમાં ચૂકવણૂં ૩.૧૯ કરોડનું કરાયું

રાજકોટ
રાજકોટના ગોકુલનગર આવાસ યોજનામાં મનપાના ફ્લેટમાં ગેરકાયદે કબજાે કરીને ભાડે આપવાના કૌભાંડની તપાસ ચાલી રહી છે તેમજ આ યોજનામાં ડ્રોમાં પણ ગેરરીતિ કરાઈ હોવાનો પર્દાફાશ અને તેની પણ તપાસ ચાલી રહી છે. આ બંને કૌભાંડમાં આવાસ શાખાના એડિ. સિટી ઈજનેર અલ્પના મિત્રાની ટેક્નિકલ ટીમ જવાબદાર છે તેવામાં આ જ ટેક્નિકલ ટીમે બનાવેલી લાઇબ્રેરીનું એક કૌભાંડ લોકલ ફંડ ઓડિટમાં પકડાયું છે. જેને લઈને આ સપ્તાહે ઓડિટના અધિકારીઓએ મનપા સાથે બેઠક બોલાવી ખુલાસો પણ માગ્યો છે. લોકલ ફંડ ઓડિટે વોર્ડ નં. ૯માં પેરેડાઈઝ હોલ સામેની નવી લાઇબ્રેરી બનાવવાના કામમાં ૧૧ ગેરરીતિઓ પકડી છે જેમાંથી ૯ ગેરરીતિમાં મનપા અને સરકાર બંનેને નાણાકીય નુકસાન થયું છે તેથી ખરેખર આ કૌભાંડ કેટલું મોટું હશે તેના માટે અલાયદી તપાસ કરવી જરૂરી છે. આવી ગેરરીતિને લઈને લોકલ ફંડે આવાસ ટેક્નિકલ શાખા પાસે વારંવાર જવાબો માગ્યા પણ જવાબો ન મળતા હવે તેની પૂર્તતા માટે ગાંધીનગરથી આદેશ છૂટ્યો છે. બાંધકામ મેન્યુઅલના ભાગ-૧ પારા ૧૩૨ તથા માર્ગ અને મકાન વિભાગના પરિપત્ર મુજબ ભાવમાં ૧૦ ટકા કરતા વધુ ભાવફેર મળે ત્યારે રેટ એનાલિસિસ કરી રિવાઈઝ અંદાજાે તૈયાર કરવાના હોય છે. આવી કોઇ અમલવારી ન કરી ૧૫.૭૬ ટકા ભાવ નીચા મળવા છતાં રેટ એનાલિસિસ ન કરાયું. લાઇબ્રેરીનું કામ ચાલ્યું તે દરમિયાન નિયમ મુજબ બાંધકામ મટિરિયલ્સના સેમ્પલ લેવાના હોય છે પણ આવા કોઇ સેમ્પલ લેવાનો રેકોર્ડ ફાઈલ પર નથી. લાઇબ્રેરીના કામમાં એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરાયું હતું. જેમાં ખ એમએમના કાચનો ભાવ ૩૭ રૂપિયા પ્રતિ ચો.ફૂટ ગણાયો છે. હકીકતે એસઓઆરમાં ૩૫.૬૯ રૂપિયા છે તેથી વધુ પડતા ભાવ લઈને ૧૩.૨૮ લાખ રૂપિયાના કામના ૧૩.૭૨ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. લાઇબ્રેરી બનાવવા માટે ૨૦૧૬માં ર્નિણય લેવાયો હતો અને વહીવટી મંજૂરી મળતા ૨.૧૮ કરોડ રૂપિયાનું એસ્ટિમેટ બન્યું હતું અને ટેન્ડરિંગ કરાયું હતું. ટેન્ડરમાં ૮ એજન્સી આવી હતી અને તે પૈકી સારંગ કન્સ્ટ્રક્શન નામની પેઢીએ ૧૫.૭૬ ટકા ડાઉન ભરતા તેને ૧,૮૩,૬૪,૩૨૦ રૂપિયામાં કોન્ટ્રાક્ટ અપાયો હતો. કામ ચાલુ કરવા ખાતમુહૂર્ત વખતે આવાસ ટેક્નિકલ શાખાને રજૂઆત આવી હતી કે લાઇબ્રેરી મોટી બનાવવી જાેઈએ. કામની મુદ્દત ૧૨ માસની હતી તેથી ૧૫-૧૧-૨૦૧૭ના છેલ્લી તારીખ હતી ત્યારબાદ મુદ્‌ત વધારો ૩ માસનો આપતા ૧૪-૦૨-૨૦૧૮ નવી તારીખ હતી પણ ખરેખર આ કામ ૭ માર્ચે પૂરું થયું તે મુદ્દત વધારાનો ઉલ્લેખ જ ફાઈલમાં નથી તેમજ આ રીતે વગર હુકમે કામ મોડું થાય તો તે બદલ ટેન્ડરની કિંમતના ૦.૧ ટકા લેખે થતી પેનલ્ટી લેવાની થાય જે આ કિસ્સામાં ૭.૯૧ લાખની થાય છે પણ ટેક્નિકલ ટીમે લીધી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *