આણંદ
આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સક્ષમ અધિકારી પાસે નોંધાવ્યા સિવાયના કે માન્ય પરમીટ અને પરવાનગી સિવાયના વાહનો ચૂંટણી કામે વાપરવા પર, ચૂંટણી પ્રચાર દરમિયાન ત્રણ કરતાં વધારે વાહનો એક સાથે ચલાવવા પર, ચૂંટણી મતદાનના દિવસે મતદારોને તેમના ઘર-સ્થળથી વાહનમાં ભરી, મતદાન મથક સુધી લાવવા કે લઇ જવા પર, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા કે ચૂંટણી ચિહ્નો દર્શાવવા, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત કાપલીઓ લઇ જવી, મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં વાહનોની અવર-જવર કરવી, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં હરીફ ઉમેદવારો, તેમના એજન્ટોં, તેમના કાર્યકરોના ટેબલ ખુરશી ચૂંટણી નિયમોથી વિરૂદ્ધ રીતે મૂકવા જેવા કૃત્યો્ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.આણંદ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. સરપંચ ઉમેવારો અને સભ્યોનો પ્રચાર પણ વેગવંતો બની રહ્યો છે. આગામી ૧૯મીના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જેનું ૨૧મીના રોજ મતગણતરી થશે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર સુલેહ શાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાઇ રહે તથા સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલાં ભરી શકાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાન મથકની ૨૦૦ મીટરની અંતર સુધીમાં કોઇપણ મંડપ બાંધવો નહીં. જ્યારે એક જ મંડપ બાંધી શકાશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકા અને વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે, પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહીં. આવો મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી મેળવી લઇ સંબંધિત ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે.
