લદાખ
છેલ્લાં છ માસથી એ કમાન્ડરની સારવાર ચાલતી હતી અને આખરે તેણે દમ તોડી દીધો હતો. લદાખની સરહદે ચીને લગભગ ૫૦ હજાર સૈનિકો તૈનાત રાખ્યા છે. એમાંથી ઘણાં ખરાને પેટની બીમારી લાગુ પડી છે. આકરી ઠંડીમાં અને ઊંચાઈમાં ઓછો ઓક્સિજન મળતો હોવાથી સૈનિકોની શ્વસનતંત્રની અને પાચનતંત્રની વિવિધ બીમારી લાગુ પડે છે.ચીની અખબારના અહેવાલ પ્રમાણે હિમાલયન રેન્જમાં ખૂબ જ વિષમ સ્થિતિ હોવાથી તેની સાથે અનુકૂલન સાધવું મુશ્કેલ બની જાય છે. એ જ કારણે છેલ્લાં નવ માસમાં ચીને ત્રણ વખત વેસ્ટર્ન કમાન્ડર બદલવા પડયા હતા. ચીનના વેસ્ટર્ન કમાન્ડનું હેડક્વાર્ટર તિબેટમાં છે અને આ જ કમાન્ડરના સૈનિકો ભારત સાથેની લદાખ તેમ જ અરૃણાચલ પ્રદેશની સરહદે તૈનાત રહે છે. ભારત-ચીન વચ્ચેની એલએસી સરહદ ખૂબ જ પડકારરૃપ સરહદો પૈકીની એક ગણાય છે. સતત બદલાતું વાતાવરણ, આકરી ઠંડી અને હિમવર્ષાના કારણે આ સરહદે રહેવું મુશ્કેલ બને છે.હિમાલયન રેન્જમાં સતત બદલાતી સ્થિતિ વચ્ચે પહેરો ભરવાનું કામ ખૂબ જ કપરુ હોય છે. એ કેટલું પડકારજનક હોય છે – તેનો અનુભવ હવે ચીનને થવા લાગ્યો છે. પીઓકેમાં તૈનાત ચીની સૈનિકો આકરી ઠંડી અને પાતળા ઓક્સિજનના કારણે બેહાલ બની ગયા છે. એક કમાન્ડરનું તો બીમારીમાં મોત પણ થઈ ચૂક્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અખબારના અહેવાલ પ્રમાણે લદાખ સરહદે તૈનાત રહેલા કમાન્ડર ઝાંગ જુડોંગનું આકરી ઠંડી સહન કર્યા પછી આવી પડેલી બીમારીના કારણે મોત થયું હતું. કમાન્ડર ઝાંગ જુડોંગને અતિશય વિષમ પરિસ્થિતિમાં રહેવાના કારણે પેટ અને હૃદયની બીમારી લાગુ પડી ગઈ હતી. ઝાંગ જુડોંગ ચીની પ્રમુખ શિ જિનપિંગનો વિશ્વાસુ લશ્કરી અધિકારી ગણાતો હતો. મિલિટરી સાયન્સ એન્ડ ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટના સંશોધક યુઆન વાંગના કહેવા પ્રમાણે હિમાલયન રેન્જમાં સતત રહેવાના કારણે હૃદય રોગની શક્યતા વધી જાય છે. તે ઉપરાંત તાપમાન ઓછું હોવાથી જઠરાગ્નિ મંદ પડે અને પેટના દર્દો પણ વધે છે. વેસ્ટર્ન કમાન્ડના કેટલાય ઉચ્ચ અધિકારીઓ આવી બીમારીનો શિકાર બની ગયા છે.