મુંબઈ
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રાએ ઉભરતા ખેલાડીઓની આત્મહત્યાના કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. અભિનવ બિન્દ્રાએ તેના ફાઉન્ડેશન દ્વારા તણાવના આ સમયમાં શૂટરોને મદદ કરવાની ઓફર કરી છે. બિન્દ્રાએ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (દ્ગઇછૈં)ના પ્રમુખ રણિન્દર સિંહને પત્ર ચિંતા વ્યક્ત કરી પોતે મદદ કરવા તૈયાર હોવાની જાણકારી આપી હતી અને તેના ફાઉન્ડેશનને ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ સેશનનું આયોજન કરવાની પરવાનગી માંગી હતી. અભિનવ બિન્દ્રાએ ટિ્વટર પર તેને લખેલ પત્રનો ફોટો ટિ્વટ કરી જાણકારી આપી હતી, જેમાં દેશમાં ખેલાડીઓની આત્મહત્યાના કિસ્સાઓ તરફ ધ્યાન આપવા, ખેલાડીઓને સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પુરૂ પાડવા, જરૂરિયાતના સમયે રમતગમતની ઇકોસિસ્ટમમાં મદદ કરવા પોતાની તૈયારી દર્શાવી હતી.છેલ્લા કેટલાક મહિનામાં દેશના ચાર યુવા શૂટર્સે આત્મહત્યા કરી લેતા રમતજગતમાં ચકચાર મચી ગયો છે. ગુરવારે પણ એક મહિલા શુટરે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું. યુવા ખેલાડીઓની આ રીતે આત્મહત્યાને લઇ ઓલિમ્પિક ગોલ્ડ મેડલીસ્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને યુવા શૂટરોને મદદ કરવા તૈયારી બતાવી હતી. ૨૬ વર્ષીય કોનિકા લાયકે હાવડા જિલ્લામાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કોનિકાને મદદ કરવા માટે સોનુ સૂદે થોડા સમય પહેલા તેને બંદૂક પણ આપી હતી. તાજેતરના મહિનાઓમાં શૂટિંગના ખેલાડીઓની આત્મહત્યાની ચોથી ઘટના છે, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તાજેતરમાં, યુવા પિસ્તોલ શૂટર ખુશપ્રીત કૌર સંધુએ નેશનલ ચેમ્પિયનશિપમાં ઓછા સ્કોર કર્યા બાદ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. ખુશપ્રીત સંધુએ લીમામાં છેલ્લી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જુનિયર ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. અગાઉ અન્ય બે શૂટર્સ હુનરદીપ સિંહ સોહલ અને નમનવીર સિંહ બ્રારે પણ કથિત રીતે આત્મહત્યા કરી હતી.
