મુંબઇ
થોડા દિવસો પહેલા દુકાનના ગલ્લા પર બેઠેલા એક વ્યક્તિની તસવીર વાયરલ થઈ હતી અને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ વ્યક્તિ હવે શોમાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવશે. પરંતુ તે વાયરલ તસવીર બીજા કોઈની નહીં પણ દુકાનના મૂળ માલિકના પિતાની છે. આ દુકાનના મૂળ માલિક શેખર ગઠિયાએ આ તસવીર વાયરલ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ચલાવે છે. નટુ કાકાની બદલીના સમાચાર પણ તેમાંથી એક છે. જે ફોટો વાયરલ થયો છે તે મારા પિતાનો છે. તે આ દુકાનના અસલી માલિક છે.ટીવી જગતના સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક પાત્ર દર્શકોના દિલની નજીક છે. તાજેતરમાં, શોના નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક નું અવસાન થયું. આ સમાચાર પછી દર્શકો ચોંકી ગયા હતા. પરંતુ થોડા દિવસો પછી એક તસવીર સાથેના સમાચાર વાઈરલ થયા કે શોમાં નટ્ટુ કાકાની જગ્યાએ એક નવો એક્ટર એન્ટ્રી લેવા જઈ રહ્યો છે. તે જ સમયે, આ સમાચાર પર શોના નિર્માતા અસિત મોદીએ પોતે મોટો ખુલાસો કર્યો છે. આ તસવીર વાયરલ થયા બાદ શોના નિર્માતા અસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વાયરલ થઈ રહેલી તસવીર યોગ્ય નથી. આ વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે નટ્ટુ કાકાના પાત્રનું કોઈ રિપ્લેસમેન્ટ કરવામાં આવશે નહીં. આ મામલે અસિતે ખૂબ જ ભાવુક જવાબ આપ્યો છે. તેણે કહ્યું, ‘વરિષ્ઠ અભિનેતાના નિધનને હજી એક મહિનો જ થયો છે. ઘનશ્યામ નાયક ઉર્ફે નટ્ટુ કાકા મારા સારા મિત્ર હતા અને મેં તેમની સાથે ઘણા વર્ષો કામ કર્યું છે. અમે શોમાં તેમના યોગદાનનું સન્માન કરીએ છીએ. અત્યાર સુધી, અમે તેમના પાત્રને બદલવા અંગે કંઈપણ આયોજન કર્યું નથી. આ પછી, તે કહે છે, ‘ઘણી અફવાઓ ઉડી રહી છે, પરંતુ હું દર્શકોને વિનંતી કરું છું કે તેઓ તેના પર ધ્યાન ન આપે.’
