મુંબઈ
નામિબિયા હવે વિશ્વની શક્તિશાળી ટીમો સામે ટકરાવા તૈયાર છે અને ગ્રૂપ–૨માં સ્કોટલેન્ડ સામેનો તેનો વિજય અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન તથા ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં આત્મવિશ્વાસ વધારાનું કામ કરશે. અફઘાનિસ્તાન સામે ૧૩૦ રનથી મળેલા પરાજયના કારણે સ્કોટલેન્ડનો આત્મવિશ્વાસ તૂટયો છે જેનો નામિબિયા ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. નામિબિયાએ છેલ્લી બે મેચમાં ટાર્ગેટ ચેઝ કરતી વખતે સારી બેટિંગ કરી હતી. સુકાની ઇરાસમસ અને ઓલરાઉન્ડર ડેવિડ વાઇસેએ હાઇએસ્ટ રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડે તેના અભિયાનને પાટા ઉપર લાવવું હશે તો તેના ખેલાડી રિચી બેરિંગ્ટન, જ્યોર્જ મુનસે તથા મેથ્યૂ ક્રોસે પ્રેરણાદાયી પ્રદર્શન કરવું પડશે. બોલિંગમાં જાેશ ડેવી ઉપર મદાર રહેશે. ગેરહાર્ડ ઇરાસમસ અને તેના સાથી ખેલાડીઓ વિશ્વ ક્રિકેટમાં વધારે જાણીતા નથી પરંતુ તેમણે નેધરલેન્ડ્સને છ વિકેટે હરાવ્યા બાદ આયરલેન્ડ સામે આઠ વિકેટે વિજય હાંસલ કરીને સુપર–૧૨માં સ્થાન મેળવ્યું હતું. આયરલેન્ડ સામેનો વિજય કોઈ ટેસ્ટ રમતા દેશ સામે પ્રથમ વિજય હોવાના કારણે નામિબિયાએ ૨૦૨૨માં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં પણ પોતાનું સ્થાન નિિૃત કરી લીધું છે. આ મુકાબલો સાંજે ૭ઃ૩૦ કલાકે રમાશે.
