મુંબઈ
બોલિવૂડના દિગ્ગજ સિંગર બપ્પી લહેરી આજે પોતાનો ૬૭મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વર્ષોથી હિન્દી સિનેમાને ચાર્ટબસ્ટર ગીતો આપતા બપ્પી દા પોતાના અલગ પ્રકારના લુક અને સોનાના શોખીન હોવા માટે પણ જાણીતા છે. બપ્પી લહેરીનું નામ સાંભળતા જ દરેકના મગજમાં સોનાની ચેનો જ દેખાય છે. આજે સિંગરના જન્મદિવસના પ્રસંગે જાણો તેમના આ શોખ સાથે સંબંધિત કેટલીક રસપ્રદ બાબતો.
ડિસ્કો ડાન્સર ગીતથી બધાને ડાન્સ કરવા મજબૂર કરનાર સિંગર બપ્પી દાએ વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં દાવેદારી પ્રસ્તુત કરી હતી. નામાંકન દરમિયાન સિંગરે પોતાની કુલ સંપત્તિ અને સોના-ચાંદીની વિગતો આપી હતી. આ દરમિયાન તેમને જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ ૭૫૨ ગ્રામ સોનું અને ૪.૬૨ કિલો ચાંદી છે. આ માહિતી તેમને ૬ વર્ષ પહેલા આપી હતી, જેમાં હવે વધારો થઈ ચૂક્યો છે. આ વર્ષે ધનતેરસના પ્રસંગે જ સિંગરે સોનાની કપ પ્લેટ ખરીદી છે. તેમને જણાવ્યું કે, તેમની પાસે પહેલાથી જ ઘણી જ્વેલરી છે, આવી સ્થિતિમાં તેમની પત્નીના કહેવા પર કપ પ્લેટ ખરીદી છે. કુલ સંપત્તિની વાત કરીએ તો બપ્પી દા ૨૦ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
બપ્પી દાની જેમ જ તેમની પત્ની ચિત્રાની લહેરી પણ સોના અને ડાયમંડની શોખીન છે. ૨૦૧૪માં તેમને દાવો કર્યો હતો કે તેમની પાસે બપ્પી દા કરતા પણ વધારે ૯૬૭ ગ્રામ સોનું, ૮.૯ કિલો ચાંદી અને ૪ લાખ રૂપિયાના હીરા છે.
બપ્પી દાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ અમેરિકન રોક સ્ટાર એલ્વિસ પ્રેસલીના મોટા ફેન છે. એલ્વિસ પોતાના પરફોર્મન્સ દરમિયાન સોનાની ચેન પહેરતો હતો. સ્ટ્રગલના દિવસોમાં બપ્પીએ એલ્વિસને જાેઈને નક્કી કરી લીધું હતું કે જાે તેઓ ક્યારેય સફળ થશે તો તે પોતાની અલગ ઓળખ બનાવશે. પછી બપ્પીએ કામયાબીના સફરમાં એલ્વિસની જેમ ચેન પહેરવાનું શરૂ કર્યું અને જાેત જાેતામાં તેમનો આ શોખ તેમની ઓળખ બની ગયો. સિંગરના આ શોખના કારણે તેમને ઈન્ડિયાના ગોલ્ડ મેન કહેવામાં આવે છે. બપ્પી દાનું માનવું છે કે સોનું પહેરવું તેમના માટે લકી છે.


