મુંબઈ
વાહનની વેગ મર્યાદાનો ભંગ કરનારાને અત્યાર સુધી ૨૦૦૦ રૃપિયા દંડ થતો હતો તેને બદલે હવે ૫૦૦૦ રૃપિયા વસૂલ કરવામાં આવશે. આ જ નિયમભંગ ફરીથી કરશે તેને ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવશે. બેફામ ડ્રાઇવિંગ કરતા પકડાય ત્યારે ટુ- વ્હીલરવાળાને ૧૦૦૦ રૃપિયા અને બાકીના વાહનોના ચાલકને ૨૦૦૦ રૃપિયા દંડ કરવામાં આવશે. ટ્રાફિક વિભાગના સિનિયર ઓફિસરે જણાવ્યું હતું કે દંડની રકમમાં કરવામાં આવેલા વધારાને લીધે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અચકાશે.મહારાષ્ટ્ર સરકારે મોટર વેહિકલ એકટમાં કરેલા સુધારાને પગલે હવે ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ કરવામાં આવતા દંડની રકમ વધારવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગે બહાર પાડેલું નોટીફિકેશન પહેલી ડિસેમ્બરથી અમલમાં આવ્યું છે. સુધારિત કાયદા મુજબ ટુ- વ્હીલર ઉપર હેલ્મેટ વગર પહેલી વાર પકડાશે તેને ૫૦૦ રૃપિયા અને બીજી વાર (અને ત્યાર પછી દરેક વખતે) પકડાશે તેને ૧૫૦૦ રૃપિયા દંડ થશે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરતા પકડાય તેને અત્યાર સુધી ૨૦૦ રૃપિયા દંડ કરવામાં આવતો. હવે આ રકમ વધારીને ૫૦૦ રૃપિયા કરવામાં આવી છે.


