મુંબઈ
ઇંગ્લેન્ડનો યુવા ઓલરાઉન્ડર સેમ કરન પીઠની ઇજાના કારણે ચાલુ મહિને રમાનારા આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. ઇસીબીએ જણાવ્યું હતું કે સેમ કરને રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સની આઇપીએલ મેચ દરમિયાન પીઠમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. તે આગામી કેટલાક દિવસમાં ઇંગ્લેન્ડ પરત ફરશે અને ચાલુ સપ્તાહના અંત સુધીમાં ઇસીબીની મેડિકલ ટીમ તેના સ્કેન રિપોર્ટની પૂરી સમીક્ષા કરશે. ઇસીબીએ જણાવ્યું હતું કે સેમ કરનના સ્થાને ટીમમાં ટોમ કરનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટોમ કરન અત્યાર સુધીમાં કુલ ૩૦ ટી૨૦ મેચ રમી ચૂક્યો છે અને તેણે ૩૧.૨૭ની સરેરાશથી ૨૯ વિકેટ હાંસલ કરી છે. ઇજાના કારણે સેમ હવે આઇપીએલમાં બાકી રહેલી મેચોમાં રમશે નહીં અને પ્લે ઓફ પહેલાં ચેન્નઇ માટે આ મોટા ફટકા સમાન છે. ઇંગ્લેન્ડની ટીમને આ ત્રીજાે મોટો ફટકો પડયો છે. આ પહેલાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને પેસ બોલર જાેફ્રા આર્ચર પણ વિવિધ કારણોસર ઇંગ્લેન્ડની ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાં નથી. ઇંગ્લેન્ડ અત્યાર સુધીમાં માત્ર એક વખત ટી૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે.