મુંબઈ
લાયોનલ મેસ્સી વિના બાર્સેલોનાનો સંઘર્ષ જારી રહ્યો છે અને આ ટોચની ટીમને સ્પેનિશ ફૂટબોલ લા લીગામાં વર્તમાન ચેમ્પિયન એટ્લેટિકો મેડ્રિડ સામે ૨-૦થી પરાજયનો સામનો કરવો પડયો હતો. લુઇસ સુઆરેઝ અને થોમસ લેમારે એકબીજા માટે ગોલની તક ઊભી કરી હતી જેના કારણે એટ્લેટિકોને વિજય મેળવવા માટે કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડયો નહોતો. એટ્લેટિકો આ વિજય સાથે બીજા ક્રમે પહોંચી ગઇ છે અને તેના પણ રિયલ મેડ્રિડ જેટલા સમાન ૧૭ પોઇન્ટ છે. જાેકે રિયલ મેડ્રિડની ટીમે એક મેચ ઓછી રમી છે. બાર્સેલોના આ બંને ટીમો કરતાં પાંચ પોઇન્ટ પાછળ છે અને તે પોઇન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. લીગની અન્ય મેચોમાં ઓસાસુનાએ રાયો વાલ્કેનોને ૧-૦થી હરાવી હતી. બીજી તરફ માર્લોકાએ પણ લેવાન્ટેને ૧-૦થી પરાજય આપ્યો હતો. કેડિઝ અને વેલેન્સિયાની મેચ ૦-૦ના સ્કોરથી ડ્રો રહી હતી. મેસ્સીને ક્લબ છોડયા બાદ બાર્સેલોનાની ટીમ સારો દેખાવ કરી રહી નથી અને તેને કોચને હટાવવાની ચર્ચા ચાલી રહી છે
