મુંબઈ
મહારાષ્ટ્રના માજી ગૃહમંત્રી અનિલ દેસમુખ સામેના ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરનારા ચાંદીવાલ આયોગે પરમબીર સિંહે સામે બહાર પાડેલું જામીન પાત્ર વૉરંટ રદ્દ કર્યું હતું.તત્કાલિન ગૃહમંત્રી અને એનસીપીના નેતા અનિલ દેશમુખ સામે કરેલા આરોપની તપાસ માટે મહારાષ્ટ્રની સરકારે ગત માર્ચ મહિનામાં ન્યાયમૂર્તી કે.યુ. ચાંદીવાલ આયોગની સ્થાપના કરી હતી. આયોગ સામે હાજર ન થતા અનેક વખત પરમબીરને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમની સામે જામીનપાત્ર વૉરંટ બહાર પાડવામાં આવ્યું હતું. કોર્ટે અગાઉ ખંડણીના કેસમાં પરમબીરને ભાગેડુ ઘોષિત કર્યા હતા. પણ પછી તેઓ ચંદીગઢ હોવાનું માલૂમ પડયું હતું. ચંદીગઢથી પાછા આવ્યા બાદ પરમબીર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૧માં હાજર થયા હતા અને નિવેદન નોંધાવ્યું હતું. ત્યારબાદ થાણે નગર પોલીસે પણ તેમની પૂછપરછ કરી હતી. પરમબીર સામે પાંચ કેસ નોધાયેલા છે.મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પમરબીર સિંહ આજે ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) સામે ખંડણીના કેસમાં નિવેદન નોંધાવવા હાજર થયા હતા. સીઆઈડી દ્વારા નોટીસ આપ્યા બાદ પરમબીર આજે બપોરે ૩.૩૦ વાગ્યે નવી મુંબઈના બેલાપુરમાં આવેલી ઓફિસમાં આવ્યા હતા. દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન અને થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના કેસની સીઆઈડી તપાસ કરી રહી છે. સીઆઈડીએ અગાઉ મરીન ડ્રાઈવના ગુનામાં નંદકુમાર ગોપાળે અને આશા કોરકેની ધરપકડ કરી હતી.