મુંબઇ
મહારાષ્ટ્ર રાજ્યમાં નવા ૮૪૫ કેસ તથા ૧૭ મોત જ્યારે મુંબઇમાં ૨૧૨ કેસ તેમજ ત્રણ મોત નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોવિડ કેસની સંખ્યા ૬૬૨૯૮૭૫ની તથા મોતની ૧૪૦૭૩૯ની થઇ છે. હાલ રાજ્યમાં ૯૭૯૯ સક્રિય (સારવાર હેઠળના) કેસ છે. આમાના સૌથી વધુ ૨૭૫૮ કેસ મુંબઇમાં છે. તે પછીના ક્રમે પુણે (૨૧૫૦) તથા થાણે (૧૨૧૧) છે. રાજ્યના સર્વેલન્સ ઓફિસર ડો. પ્રદીપ આવટેએ જણાવ્યું હતું કે અમે જાેયું છે કે કોવિડ મહામારીની બાબતે આપણે વિદેશો કરતાં અઢી મહિના પાછળ છીએ. આપણે કોરાનાના ફેલાવાને અસરકારક રીતે કાબૂમાં લઇ શક્યા છીએ. અને કેસમાંનો ઘટાડો બતાવે છે કે કોવિડ હવે લગભગ સ્થાનિક રોગ બની ગયો છે.લોક આરોગ્યના નિષ્ણાતોએ અગાઉ દર્શાવેલી ચિંતાથી ઉલ્ટું મહારાષ્ટ્રમાં દિવાળી પછીના પખવાડિયામાં કોવિડ કેસમાં કોઇ ઉછાળો જાેવા મળ્યો નથી. તહેવારો નિમિત્તેની ખરીદી માટે સાર્વજનિક સ્થળોએ લોકોની ભીડ ઉમટવાને કારણે આ મહામારીના કેસ કદાચ વધે તેવી ચેતવણી રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સે આપી હતી. વાઇરસનો ચેપ લાગ્યાના લક્ષણો સામાન્ય રીતે બે સપ્તાહમાં જાેવા મળે પરંતુ દિવાળી પછીના પખવાડિયામાં મહારાષ્ટ્રમાં નવા કેસોમાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે. ૨૩મી ઓક્ટોબરથી છઠ્ઠી નવેમ્બર સુધીમાં નવા ૧૭૪૨૮ કેસ નોંધાયા હતા. પણ દિવાળી પછી સાતમીથી ૨૦મી નવેમ્બર સુધીમાં ૧૨૮૮૭ કેસ જ ધ્યાનમાં આવ્યા છે.
