મુંબઈ
હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૧૭,૧૮,૧૯,૨૦-ઓક્ટોબર) દરમિયાન કોંકણ (મુંબઇ,થાણે,પાલઘર, રાયગઢ)માં વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે.સૂકા વાતાવરણથી ગરમી વધે તેવી પણ સંભાવના છે. આવતા ૨૪ કલાક એટલે કે ૧૭,ઓક્ટોબરે મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, ધુળે, નંદુરબાર, જળગાંવ), મરાઠવાડા(જાલના, પરભણી, ઔરંગાબાદ, બીડ, હિંગોળી) અને વિદર્ભ(અકોલા, યવતમાળ, વાશીમ, બુલઢાણા, ચંદ્રપુર)માં મેઘગર્જના, વીજળીના કડકા, તોફાની સાથે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. આજે વિદર્ભનાં અકોલા, વાશીમ, બુલઢાણા અને ચંદ્રપુર જિલ્લામાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વર્ષા થઇ હોવાના સમાચાર મળે છેહવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ૨૦૨૧ના નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે.બીજીબાજુ આજે વિદર્ભનાં મોટાભાગનાં સ્થળોએ મેઘગર્જના, વીજળીના કડાકા સાથે ભારે વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.સાથોસાથ અમુક સ્થળોએ દિવસના તાપમાનમાં વધારો પણ થયો છે. સાથોસાથ હવામાન ખાતાએ આવતા ૨૪ કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવો વરતારો પણ આપ્યો છે. હવામાન ખાતાનાં સૂત્રોએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ૨૦૨૧ના નૈઋત્યની વર્ષા ઋતુએ ૧૪,ઓક્ટોબરે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાંથી વિદાય લીધી છે.પરિણામે હાલ આકાશ આખું સ્વચ્છ થઇ ગયું છે. સાથોસાથ વરસાદી વાદળાં પણ નથી.એટલે સૂર્યનાં તેજસ્વી કિરણો તેની પૂરી શક્તિથી પૃથ્વી સુધી આવે અને વાતાવરણમાં ગરમી ફેલાઇ જાય. શુક્રવારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ હોટ નોંધાયું હતું.આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૦ ડિગ્રી સેલ્સિયસ જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
