મુંબઈ
બાળકો પર થતા જાતીય અત્યાચારની ઘટનાઓ રોકવા તેમજ મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી મુંબઇ પોલીસ એક વિશેષ અભિયાન ચલાવી રહી છે. આ હેઠળ હવે સ્કૂલના બાળકોની સલામતીને પ્રાથમિક્તા આપી સ્કૂલની આસપાસ સાદા કપડામાં પોલીસો ચાંપતો બંદોબસ્ત રાખશે. સૂત્રોનુસાર રાજ્ય સરકાર સ્કૂલો શરૃ કરવાનું વિચારી રહી છે ત્યારે નાના બાળકો સાથે બનતી ઘૃણાસ્પદ ઘટનાઓ રોકવા પોલીસે વિશેષ રણનીતિ ઘડી કાઢી છે. તે અનુસાર પોલીસના અમૂક જવાનો સાદા વેશમાં સ્કૂલોની બહાર નજર રાખશે. આ સિવાય આસપાસની સોસાયટી અને સ્કૂલ પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની વિગત પણ રાખશે. પોલીસે હજી વધુ સતર્કતા દાખવી સ્કૂલની આસપાસ આવેલ સ્ટેશનરી દુકાન, ખાદ્ય પદાર્થો સહિત આસપાસના ફરવા લાયક સ્થળોની પણ જાણકારી રાખશે. આ સિવાય ર્નિભયા મહિલા પોલીસની ટીમને પણ સ્કૂલ શરૃ થાય ત્યારે અને સ્કૂલ છૂટે તે સમયે પેટ્રોલીંગ વધારવાની સલાહ આપી છે. આ સિવાય સ્કૂલ બહાર ફરતા રહેતા યુવાનો તેમજ અસામાજિક તત્વોને ઓળખી વિદ્યાર્થીઓની સુરક્ષાથી જાેડાયેલા મુદ્દે સંબંધિત શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલકો સાથે ચર્ચા કરી સુરક્ષા વ્યવસ્થા વધુ સખત બનાવવાનું કહેવામાં આવશે. આ સમગ્ર યોજના બાબતે હજી અધિકૃત રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જાે કે, સૂત્રોના કહ્યાનુસાર આ દિશામાં નક્કર કામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ૧ ડિસેમ્બરથી સ્કૂલો શરૃ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પણ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લીધે હવે ૧૫ ડિસેમ્બર પછી સ્કૂલો શરૃ કરવાનું સરકાર વિચારી રહી છે.
