મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના ૯૦૨ નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૬૬,૪૭,૮૪૦ પર પહોંચી છે. આ સિવાય ૧૨ દર્દીઓના મોત સાથે કુલ મૃતકોની સંખ્યા ૧,૪૧,૩૨૯ થઈ છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યમાં ચેપના ૮૭૭ નવા કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓના મોત થયા હતા. જ્યારે સંક્રમણમાંથી સાજા થયેલા કુલ ૬૮૦ લોકોને રજા આપવામાં આવી છે, જેની સાથે સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૬૪,૯૫,૯૨૯ પર પહોંચી ગઈ છે. હાલ રાજ્યમાં સંક્રમણ દર ૨.૧૨ ટકા છે.મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા પ્રશાસને પ્રાયોગિક ધોરણે દુર્ગમ વિસ્તારમાં સ્થિત એક દૂરના ગામમાં કોરોના રસીના ડોઝ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો છે. વહીવટીતંત્રના એક ઉચ્ચ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ પ્રયોગનું સંકલન કરનાર જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. માણિક ગુરસાલે જણાવ્યું હતું કે, ગુરુવારે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવેલો આ પ્રયોગ લગભગ રાજ્યમાં કરવામાં આવેલો આ પ્રથમ પ્રયોગ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ અનોખી પહેલના ભાગ રૂપે, ૩૦૦ વેક્સિન ડોઝનો જથ્થો જૌહરથી જાપ ગામ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ૪૦ મિનિટથી વધુ સમય લાગી શકે તેવું કાર્ય ડ્રોન દ્વારા માત્ર નવ મિનિટમાં પૂર્ણ થયું હતું. તમને જણાવી દઈએ કે, આ વેક્સિન ગામની બાજુમાં આવેલા સ્થાનિક જાહેર આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતુ કે, આ ડ્રોન દ્વારા લગભગ ૨૦ કિલોમીટરનું અંતર નવ મિનીટમાં પાર કરવામાં આવ્યુ હતુ. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દયાનંદ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓની મદદથી આ શક્ય બન્યું છે. વધુમાં તેમણે કહ્યું કે રસીકરણ ઝુંબેશ હેઠળ જે રસીકરણ કેન્દ્રો સુધી વેક્સિન પહોંચવામાં મુશ્કેલી પડે છે, તેવા વિસ્તારોમાં આ ડ્રોનનો સરળતાથી ઉપયોગ થઈ શકશે.
