Maharashtra

મહારાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ ઃ મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

મુંબઈ
હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો. કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને ખાસ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઇનું ગગન આવતા બે-ત્રણ દિવસ દરમિયાન વાદળિયું રહે તેવી શક્યતા છે.૧, ડિસેમ્બરે અરબી સમુદ્રમાં અને આંદામાનના દરિયામાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો પ્રેશર) સર્જાય તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે. આવાં બદલાઇ રહેલાં પરિબળોની વ્યાપક અસરથી તાપમાનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. આજે પુણે નજીકનાં હવેલીમાં લઘુત્તમ તાપમાન ૧૧.૫ ડિગ્રી,પાશાન-૧૧.૭, પુણે -૧૨.૪, શિવાજીનગર-૧૨.૪, માલીણ-૧૨.૫, તળેગાંવ-૧૨.૯, નાશિક-૧૨.૯, ચીકલથાણા-૧૩.૨, નેશનલ ડિફેન્સ કોલોની(પુણે)-૧૩.૩, જળગાંવ-૧૩.૭, માલેગાંવ-૧૩.૮, મહાબળેશ્વર-૧૪.૬, ઉસ્માનાબાદ-૧૪.૮, બારામતી-૧૪.૯, પરભણી-૧૫.૦, જાલના-૧૫.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીગાર ચાદર પથરાઇ ગઇ છે.આજે મહારાષ્ટ્રનાં ૧૨ સ્થળોએ લઘુત્તમ તાપમાન ૧૧.૦ થી ૧૩.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિ ટાઢુંબોળ નોંધાયું હોવાના સમાચાર મળે છે. સાથોસાથ મુંબઇમાં પણ છેલ્લા બે દિવસ દરમિયાન રાતના તાપમાનમાં બે(૨) ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં સાંજે અને વહેલી સવારે ઠંડીનો ગમતીલો અનુભવ થઇ રહ્યો છે. આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૮ અને લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૦ અને લઘુત્તમ તાપમાન ૨૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.બંને સ્થળોએ તાપમાનમાં ૧૦થી ૧૪ ડિગ્રીનો મોટો તફાવત પણ રહ્યો છે. આજે પુણે નજીકનું શીરુર ૧૧.૪ ડિગ્રી સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી ટાઢુંબોળ સ્થળ નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *