ચંડીગઢ
પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિન્દરનાં પાકિસ્તાની મિત્ર અરુસા આલમની આઈએસઆઈ સાથે સંડોવણી હોવાના પંજાબ કોંગ્રેસના આક્ષેપો મુદ્દે જવાબ આપતાં અરુસા આલમે મંગળવારે જણાવ્યું હતું કે, હું ભારતની કોઈપણ તપાસ સંસ્થાનો સામનો કરવા તૈયાર છું. અને તેઓ ઈચ્છે તો મારી સામેના પાયા વિહોણા આક્ષેપો અંગે ત્રીજા દેશના તપાસકારો મારફત પણ તપાસ કરાવી શકે છે. અરુસા આલમે આ વિવાદમાં વધુ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ આટલી ઉતરતી કક્ષાએ જઈ શકે છે. સુખજિંદર રંધાવા, પીપીસીસી પ્રમુખ નવજાેતસિંહ સિદ્ધુ અને તેમનાં પત્ની નવજાેતકૌર ખૂબ જ કપટી છે. તેઓ કેપ્ટન અમરિન્દરને શરમજનક સ્થિતિમાં મૂકવા માટે મારા નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું તેમને પૂછવા માગું છું કે શું તેઓ એટલા બધા રઘવાયા થઈ ગયા છે કે તેમણે તેમના રાજકીય ઈરાદાઓ માટે મારા નામનો ઉપયોગ કરવાની જરૂર પડી છે?પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે અમરિન્દર સિંહ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈમાં અમરિન્દરસિંહ સાથે મિત્રતાના મુદ્દે પાકિસ્તાની પત્રકાર અરુસા આલમનું નામ સંડોવાતા અંતે પાકિસ્તાની પત્રકારે બળાપો વ્યક્ત કર્યો હતો. અરુસા આલમે મંગળવારે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ પંજાબ કોંગ્રેસના નેતાઓથી ખૂબ જ નિરાશ થયા છે અને હવે ભારત ક્યારેય નહીં આવે, કારણ કે આ સમગ્ર ઘટનાક્રમથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે આઈએસઆઈ સાથે સંડોવણીના આક્ષેપો મુદ્દે ભારતીય સંસ્થાઓની તપાસનો સામનનો કરવા માટે પણ તૈયારી બતાવી હતી. અરુસા આલમે કહ્યું કે, તેમને મારો એક જ સંદેશ છે. કૃપયા મોટું મન રાખો અને પોતાના ઘર પર ધ્યાન આપો. પંજાબમાં કોંગ્રેસ તેના આંતરિક કાવતરાંના કારણે જનાધાર ગુમાવી રહી છે. તેમણે વિધાનસભા ચૂંટણીના થોડાક સમય પહેલાં જ અમરિન્દરસિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવાનો ઉલ્લેખ કરતાં સવાલ કર્યો કે યુદ્ધની વચ્ચે પોતાના સેનાપતિને કોણ બદલે છે ? તમારે પોતાની લડાઈ પોતાના બળે લડવી જાેઈએ. પંજાબ કોંગ્રેસ અને સરકારની આ લડાઈમાં મારું નામ સંડોવવું જાેઈએ નહીં. અરુસા આલમ પાકિસ્તાનમાં સંરક્ષણ ક્ષેત્રના પત્રકાર છે. ઑગસ્ટ ૯૦ના સબમરીન સોદા પર અરુસાનો રિપોર્ટ ચર્ચાસ્પદ રહ્યો હતો, જેના કારણે વર્ષ ૧૯૯૭માં પાકિસ્તાનના નૌકાદળના તત્કાલિન પ્રમુખ મંસૂરુલ હકની ધરપકડ કરવામાં આવી હતી. અરુસા આલમ પર અગાઉ પણ અમરિન્દર સાથે અફેરના આક્ષેપો થયા હતા. ગયા સપ્તાહે પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદરસિંહ રંધાવાએ કહ્યું હતું કે અમરિન્દરસિંહનાં પાકિસ્તાની મિત્ર અરુસા આલમની આઈએસઆઈ સાથે કથિત સંડોવણીની તપાસ કરવામાં આવશે. રંધાવા પર વળતો હુમલો કરતાં કેપ્ટન અમરિન્દરના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે કહ્યું કે અરુસા આલમ ૧૬ વર્ષથી કેન્દ્ર સરકારની મંજૂરી લઈને ભારત આવતાં હતાં. સુખવિંદર અમરિન્દર કેબિનેટમાં મંત્રી હતા ત્યારે તેમણે આ અંગે કેમ કોઈ ફરિયાદ કરી નહોતી. એટલું જ નહીં તેમણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને અરુસા આલમની હાથ મિલાવતી તસવીર પણ પોસ્ટ કરી હતી.


