ચેન્નાઇ
તામિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘનાઢ્ય અને શ્રીમંત પરિવારો દ્વારા સોનાંચાદી અને ઘરેણાની દુકાનો, રિટેલિ સ્ટોર ચલાવવામાં આવી રહ્યા છે જેમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારની મહિલાઓને નોકરીએ રાખવામાં આવે છે. મહિલા ગ્રાહકોને મહિલા કર્મચારી સારી રીતે સમજાવી શકે એવા શુભ આશયથી મહિલા કર્મચારીઓની નિમણૂંકો કરવામાં આવે છે, પરંતુ તેઓને નોકરીની આકરી શરતોમાં કોઇ છૂટછાટ આપવામાં આવતી નથી.તામિલનાડુની દુકાનો અને ખાનગી વેપારી પ્રતિષ્ઠાનોમાં કામ કરતાં કર્મચારીઓને હવે બેસવાનો અધિકાર મળી ગયો છે. આ પ્રકારનો કાયદા અમલમાં લાવનાર તામિલનાડુ દેશનું બીજુ રાજ્ય બન્યું હતું. આ અગાઉ કેરળ સરકાર આ કાયદો લાગુ કરી ચૂકી છે. તામિલનાડુ સરકારે દુકાનો અને ખાનગી પ્રતિષ્ઠાનોમાં કામ કરતાં કર્મચારીઓને રાહત આપવાના ઇરાદાથી સપ્ટેમ્બર મહિનામાં જ કાયદો બનાવી તેઓને નોકરી દરમ્યાન બેસવાનો કાનૂની અધિકાર આપ્યો હતો બેસવાનો અધિકાર વિશેષ કરીને મહિલા કર્મચારીઓ માટે ખુબ જ લાભદાયી પૂરવાર થઇ રહ્યો છે, કેમ કે તેઓ દુકાનોમાં અને રિટેઇલ સ્ટોરમાં ૮ થી ૧૦ કલાક સુધી ઉભા ઉભા કામ કરતી હતી. દરરોજ ૧૦ કલાક ઉભા ઉભા કામ કરીને જ્યારે તેઓ ઘરે પરત ફરતી ત્યારે તેઓ થાકીને લોટપોટ થઇ જતી હતી, અને તેઓની પગની ઘૂંટી અને એડીમાં દર્દ થતુ હતું. તામિલનાડુ સરકારે આ કાયદો પસાર કરવાની સાથે રાજ્યના તમામ દુકાનદારો, રિટેઇલ સ્ટોર અને ખાનગી પ્રતિષ્ઠાનોના માલિકોને તાકીદ કરી હતી કે તેઓે તેમના કર્મચારીઓ માટે નોકરી દરમ્યાન બેસવાની વ્યવસ્થા કરવાની રહેશે, અને નોકરીના સમય દરમ્યાન જ્યારે પણ શંભવ હોય ત્યારે કર્મચારીને થોડો આરામ કરવા દેવાનો રહેશે. છેલ્લા ૧૦ વર્ષથી વસ્ત્રોની દુકાનમાં કામ કરતી ૪૦ વર્ષિય લક્ષ્મીએ કહ્યું હતું કે અત્યાર સુધી અમારી આખી શિફ્ટ દરમ્યાન ફક્ત ૨૦ મિનિટનો લંચ બ્રેક મળતો ત્યારે જ અમને બેસવાની તક મળતી હતી, અમારા દુઃતા પગને ટેકો આપવા અમે અનેકવાર છાજલી કે અન્ય કોઇ ભાગે હાથનો અને પગનો ટેકો લઇને થોડી રાહત મેળવવાનો પ્રયાસ કરતાં હતા. દુકાનમાં સહેજપણ ઘરાકી ન હોય તો પણ દુકાનના માલિક અમને બેસવાની મંજૂરી આપતા નહોતા. ઉલ્લેખનીય છે કે ભારતના મોટાભાગના શહેરોમાં આવેલી દુકાનો, રિટેઇલ સ્ટોર અને શોપિંગ મોલમાં કામ કરનાર પ્રત્યેક કર્મચારીને આઠ કલાક ઉભા ઉભા જ કામ કરવાનો નિયમ અમલમાં છે.