Tamil Nadu

તામિલનાડુમાં ભારે વરસાદના કારણે ૭ રાજ્યોને એલર્ટ કરાયા

ચેન્નઈ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની સાથે અન્ય ઉપનગરોમાં શુક્રવારે હળવો વરસાદ થવાની આગાહી કરી હતી. અરબ સાગર ઉપર લોઅર પ્રેશરના કારણે મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો, જે આગામી ૨૪ કલાકમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. ત્યાર પછી ડિપ્રેશન ભારતના પશ્ચિમી કિનારાથી દૂર જતું રહેશે. સ્કાયમેટ મુજબ પૂર્વીય મધ્ય અરબ સાગરની ઉપર બનેલા ડિપ્રેશનથી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશામાં વધી રહ્યું છે અને સંબંધિત ચક્રવાતી પરિસંચરણ સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિ.મી. ઉપર સુધી ફેલાયેલું છે. ડિપ્રેશન સાથે સંકળાયેલા ચક્રવાતી પરિસંચરણથી એક ટ્રફ રેખા દક્ષિણ ગુજરાતના કિનારા સુધી ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી ફેલાઈ છે. ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર તામિલનાડુના ઉત્તરીય દરિયા કિનારા અને આંધ્ર પ્રદેશના દક્ષિણી દરિયા કિનારા પર બનેલું છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ અંદામાન સાગરમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. તેની અસર હેઠળ મંગળવારે તામિલનાડુમાં ભારે વરસાદ ખાબક્યો હતો.ચેન્નઈમાં મુશળધાર વરસાદના કારણે સ્થિતિ સતત કથળી રહી છે અને વરસાદ સંબંધિત ઘટનાોમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. દક્ષિણના આ રાજ્યોમાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બીજીબાજુ હવામાન વિભાગે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ જારી કરતાં કહ્યું છે કે આ રાજ્યોમાં ૧૧મી નવેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ પૂર્વોત્તર ચોમાસાના કારણે ૯થી ૧૨ નવેમ્બર સુધી આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના દરિયા કિનારાના ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવના છે. તામિલનાડુના મદુરાઈ જિલ્લામાં ભારે વરસાદના કારણે સ્કૂલ અને કોલેજ બંધ થઈ ગયા છે. ભારે વરસાદને પગલે તંત્રે એલર્ટ જાહેર કરી છે. મદુરાઈમાં એનડીઆરએફની બે ટીમ તૈનાત કરાઈ છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે વાત કરી હતી અને કેન્દ્ર સરકારની શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. દરમિયાન હવામાન વિભાગે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશની સાથે મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, પુડુચેરી, કેરળ, કર્ણાટકમાં પણ ૧૧મી નવેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં અંદર સુધી ન જવાની સલાહ આપી છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડીના આગમન છતાં હવામાન વિભાગે મહારાષ્ટ્રના બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છે.

Heavy-rain-In-Tamilnadu.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *