લખનઉ
પ્રજાને કોરોનાની ત્રીજી લહેરનો ડર છે પણ નેતાઓને નહીં. તેઓ માને છે કે ચૂંટણી ટાળવી શક્ય જ નથી. પક્ષો તરફથી ચૂંટણી માટે પ્રચાર સામગ્રી સહિત અન્ય જરૂરી તમામ જરૂરી સંસાધન અત્યારથી વિધાનસભા ક્ષેત્રોમાં પહોંચાડાઈ રહ્યા છે. ચર્ચા અનુસાર દરોડાથી બસપાના સંભવિત ઉમેદવારો ડરી ગયા છે કેમ કે પાર્ટીને મદદ તરીકે ૩ કરોડ સુધી આપવા પડે છે. દરોડાના માહોલમાં રકમની હેર-ફેર કરવી સુરક્ષિત નથી મનાઈ રહી.સૌથી પહેલાં જુલાઇમાં ભાજપના ધારાસભ્ય અજય સિંહ તથા ભાજપના નેતા અને દારૂના મોટા વેપારી ઓમપ્રકાશ જયસ્વાલના અનેક ઠેકાણે દરોડા પડ્યા. આ દરોડાથી વધુ રાજકીય ચર્ચા સપા અધ્યક્ષ અખિલેશ યાદવના ચાર નજીકનાઓને ત્યાં પડેલા દરોડાની રહી. તેના પછી બિઝનેસમેન પીયૂષ જૈનને ત્યાં દરોડામાં ૧૭૦ કરોડની રોકડ મળતા યુપીના રાજકારણમાં હડકંપ મચ્યો છે. મનાય છે કે આ રકમ ચૂંટણીમાં ખર્ચ કરવા એકઠી કરાઈ હતી.વિધાનસભા ચૂંટણીથી પહેલાં આઈટીના દરોડાથી ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધી ભાજપ તથા સપાના નેતા દરોડાની લપેટમાં આવી ચૂક્યા છે પણ હવે બધાને ડર છે. પાર્ટીઓ તેમના મોટા ખર્ચાનો ઝડપથી નિકાલ લાવી રહી છે. ચૂંટણીપ્રવાસ માટે હેલિકોપ્ટર તથા લાઈટ એરક્રાફ્ટનું બુકિંગ કરી લેવાયું છે. સૂત્રો જણાવે છે કે અનેક પાર્ટીના નેતાઓએ રોકડને સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાની ટીમ ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધી લખનઉમાં રહેશે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજાશે. જેમાં રાજકીય પક્ષો તરફથી આઈટીના દરોડા તથા અલ્હાબાદ હાઈકોર્ટની ચૂંટણી ટાળવાની સલાહ પર ચર્ચા થશે. અધિકારીઓ સાથે બેઠક કરી નિષ્પક્ષ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરાશે. સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ પોલિંગ બૂથો તથા સુરક્ષા વ્યવસ્થાની જાણકારી લેવાશે. જેનાથી ચૂંટણીના તબક્કા નક્કી કરી શકાય. અનેક નેતા સૂત્રોનો ઉપયોગ કરી સંભવિત દરોડાની યાદી ચકાસી રહ્યા છે. ઈલેક્શન વૉચ સંસ્થાના યુપીના સ્ટેટ કોઓર્ડિનેટર સંજય સિંહે કહ્યું કે અનુમાન છે કે આ વખતે દરેક ઉમેદવાર ૫થી ૧૦ કરોડ ખર્ચ કરશે. આ રકમ ૨થી ૪ હજાર કરોડ થાય છે. આટલો જ ખર્ચ પાર્ટી પણ કરશે. એવામાં સંપૂર્ણ ચૂંટણીમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. ચૂંટણીપંચે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચની લિમિટ ૩૦.૮ લાખ રૂપિયા કરી દીધી છે. પહેલાં તે ૨૮ લાખ હતી. બિહાર તથા બંગાળ ચૂંટણીમાં આયોગે ખર્ચમર્યાદા ૧૦ ટકા વધારી ૩૦.૮૦ લાખ રૂ. કરી દીધી હતી.