ઉતરાખંડ
પહાડોમાં હિમવર્ષાના કારણે પર્યટકો ખુશ છે તો બીજી તરફ પર્યટકોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીમાં વધારો થતાં પર્વતીય વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંગળવારે ઉત્તરકાશી જિલ્લાની હર્ષિલ ખીણમાં ૨૦ અને ચમોલીના ઔલીમાં ૪૦ થી વધુ પર્યટકોના વાહનો રસ્તા પર અટવાઈ ગયા હતા. રવિવારે હિમવર્ષા બાદ અહીંના રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ બની ગયું હતું, જેના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તરકાશીની હર્ષિલ ખીણમાં ડબરાણીથી ગંગોત્રી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની લાઈન લાગી હતી. ઔલીમાં પણ આવી જ સ્થિતિ રહી. અહીં બરફવર્ષાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓ રસ્તાઓ પર અટવાઈ ગયા હતા.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કુમાઉ ડિવિઝનના પર્વતીય વિસ્તારો અને તેની આસપાસના ગઢવાલ ડિવિઝનના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. બુધવારે સવારે પિથૌરાગઢ જિલ્લાના મુનસ્યારીમાં હિમવર્ષા જાેવા મળી હતી. નવા વર્ષની ઉજવણી પહેલા પહાડો પર થઈ રહેલી હિમવર્ષાના કારણે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. ઠંડીથી ચમોલી, પિથૌરાગઢ અને ઉત્તરકાશી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ધોધ થીજી ગયા છે. દેહરાદૂન અને હરિદ્વાર જેવા મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પિથૌરાગઢના મુનસ્યારીમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે. આવી સ્થિતિમાં બુધવારે સવારે ફરી એકવાર અહીં બરફની સફેદ ચાદર જાેવા મળી હતી. હવામાન કેન્દ્ર દહેરાદૂનની આગાહી મુજબ, કુમાઉ ડિવિઝનના પર્વતીય વિસ્તારો અને તેની આસપાસના ગઢવાલ ડિવિઝનના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. ૨૫૦૦ મીટર અને તેનાથી વધુ ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દેહરાદૂનમાં આજે આકાશ સાફ રહેશે, સવારે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આજે મસૂરીમાં મહત્તમ તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન -૪ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.