કોલકાતા
કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણ એડિશનલ કન્ટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે.ઇવીએમના રક્ષણ માટે ૧૪૧ સ્પેશિયલ વાહનો તૈનાત રાખવામાં આવશે. ત્રીજી ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે. વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઇ વિભાગને પણ એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. મતદાન મથકમાં પાણી ભરાઇ જાય તો પાણી કાઢવા માટે પંપ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં કેન્દ્રીય દળોની ૧૫ કંપનીઓ તૈનાત કરીને ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. મતદાનને ધ્યાનમાં રાખીને મતદાન મથકથી ૨૦૦ મીટરના અંતરમાં સીઆરપીસીની કલમ ૧૪૪ અમલમાં મૂકવામાં આવી છે. દક્ષિણ કોલકાતામાં આવેલ ભવાનીપુર બેઠકની પેટા ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુખ્યપ્રધાન મમતા બેનર્જી છે. જ્યારે ભાજપે તેમની સામે પ્રિયંકા તિબરેવાલને અને સીપીઆઇ(એમ)એ શ્રીજીબ વિશ્વાસને ટિકિટ આપી છે. ૯૭ મતદાન મથકોના કુલ ૨૮૭ બૂથ પર આવતીકાલે મતદાન થવાનું છે. બૂથ દીઠ કેન્દ્રીય દળોના ત્રણ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર કોલકાતા પોલીસના અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.