કોલકાતા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસાની આશંકાના ભયે ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ એચ. કે. દ્વિવેદીને પરીણામો જાહેર થયા પછી કોઈના પણ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ચૂંટણી પંચે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, ચૂંટણી પછી હિંસા ન થાય તે માટે તકેદારીનાં પૂરતા પગલાં લેવામાં આવે. બીજીબાજુ મમતા સામે પરાજય પછી ભાજપ નેતા પ્રિયંકા ટિબરેવાલે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં તે પોતે મેન ઓફ ધ મેચ છે. તેમની રાજકીય કારકિર્દી હજુ તો શરૂ જ થઈ છે.વિધાનસભા ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યાના પાંચ મહિના પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે ભવાનીપુરમાં વિક્રમી મતો (૫૮,૮૩૫ મત)થી વિજય મેળવ્યો હતો. આ વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામમાં મમતા બેનરજીના આશ્ચર્યજનક પરાજય પછી તૃણમૂલ કોંગ્રેસ માટે આ વિજય ઘણો જ મહત્વપૂર્ણ હતો. આ સાથે પશ્ચિમ બંગાળમાં અન્ય બે બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો છે. કોલકાતાના હાર્દ સમા શહેરી મતવિસ્તારમાં ઓલ-ટાઈમ હાઈ માર્જિનથી વિજય મેળવી મમતા બેનરજીએ તેમની લોકપ્રિયતા સાબિત કરી છે. રાજ્યમાં અન્ય બેઠકો પરની પેટા ચૂંટણીમાં વિજય સાથે તૃણમૂલ કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી છે. ભવાનીપુર ઉપરાંત મુર્શિદાબાદના સમસેરગંજ અને જાંગિપુર વિધાનસભા મતવિસ્તારોમાં પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. દક્ષિણ કોલકાતાની ભવાનીપુર બેઠક પરથી મમતા બેનરજીએ ૮૫,૨૬૩ મત મેળવ્યા હતા જ્યારે તેમની નજીકની પ્રતિસ્પર્ધી ભાજપની પ્રિયંકા ટિબરેવાલે ૨૬,૪૨૮ મત અને સીપીઆઈ (એમ)ના શ્રીજિબ બિસ્વાસે ૪,૨૨૬ મત મેળવ્યા હતા તેમ ચૂંટણી પંચે જણાવ્યું હતું. આ વિજય સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે મમતા બેનરજી મુખ્યમંત્રીપદે જળવાઈ રહેશે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ભવાનીપુરના લોકોનો હું આભાર માનું છું. તેઓ ખૂબ જ આતુરતાથી આ પરીણામની રાહ જાેઈ રહ્યા હતા. ભવાનીપુરના લોકોએ નંદીગ્રામમાં મારા પરાજય માટે કાવતરું ઘડનારા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. આ અંગે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી હું વધુ કશું કહેવા માગતી નથી. આ સાથે મમતા બેનરજીએ છ મહિનાની અંદર ચૂંટણી યોજવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. અગાઉ આ વર્ષના પ્રારંભમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી વખતે મુખ્યમંત્રી મમતા બેનરજી નંદીગ્રામમાં ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે સામાન્ય મતોથી હારી ગયાં હતાં. નંદીગ્રામમાં પરાજય પછી રાજ્યના મંત્રી સોવનદેબ ચટ્ટોપાધ્યાયે મમતા બેનરજી વિધાનસભામાં પાછા ફરી શકે તે માટે ભવાનીપુરની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.