International

ચીનમાં ૧૫૦૦ વિદ્યાર્થી ડોર્મિટરીમાં બંધ

બિજિંગ ,
બિજિંગમાં બુધવારથી દેશમાં બહારથી આવતાં તમામ લોકોએ ૪૮ કલાક પહેલા મેળવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. નેશનલ હેલ્થ કમિશને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨ નવા કેસો નોંધાયા હોવાનું જણાવ્યું હતું જેમાંથી ૨૫ કેસ ડાલિયાન શહેરમાં નોંધાયા હતા. બીજી તરફ ઇઝરાયલમાં આરોગ્ય મંત્રાલયના ડાયરેકટર જનરલ નચમન એશે પાંચથી અગિયાર વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની નિષ્ણાતોની સમિતિની ભલામણને સ્વીકારી આ વયજૂથના બાળકોના રસીકરણને મંજૂરી આપી દીધી હતી. હાલ ઇઝરાયલમાં રસીકરણ માટે લઘુત્તમ વય ૧૨ વર્ષની છે જે હવે ઘટાડીને પાંચ વર્ષ કરાઇ છે. ઓસ્ટ્રિયામાં સરકારે કોરોનાની રસી ન લેનારાઓને લોકડાઉનમાં રાખવાનો આદેશ આપ્યો છે. આમ ઓસ્ટ્રિયામાં રસી નહીં તો આઝાદી પણ નહીંની નીતિ અમલમાં મુકવામાં આવી છે. જે લોકોએ કોરોનાની રસી લીધી હોય તેઓ બાર-રેસ્ટોરાંમાં જઇ શકશે અને હોટલમાં રહી પણ શકશે જ્યારે રસી ન લેનારાઓને ઘરમાં જ ગોંધાઇ રહેવું પડશે. ઓસ્ટ્રિયામાં ૬૫ ટકા વસ્તીએ કોરોનાની રસી લીધી છે અને હવે બાળકોને પણ કોરોનાની રસી આપવા માટે કામ થઇ રહ્યું છે. બીજી તરફ બ્રિટનમાં સરકારે કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ ૪૦થી ૪૯ વર્ષના લોકોને આપવા માટે પરવાનગી આપી છે. અગાઉ આ વયમર્યાદા ૫૦ વર્ષની હતી. સિંગાપોરે ૨૯મી નવેમ્બરથી ભારતના પ્રવાસીઓને દેશમાં પ્રવેશતા ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ આપવા અંગે વિચારણા હાથ ધરી છે.ચીનના ડાલિયન શહેરમાં ચોથી નવેમ્બરે પ્રથમ કોરોનાનો દર્દી નોંધાયો તે પછી ૭૫ લાખની વસ્તી ધરાવતાં આ શહેરમાં રોજના સરેરાશ ૨૪ કેસો નોંધાઇ રહ્યા છે જે અન્ય કોઇપણ શહેર કરતાં વધારે છે. હાલ ચીન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના સૌથી મોટા મોજાનો સામનો કરી રહ્યું છે. ચીનમાં કોરોનાના કુલ ૯૮,૩૧૫ કેસો નોંધાયા છે જ્યારે મરણાંક ૪,૬૩૬ થયો છે. ડાલિયાન શહેરની નજીક આવેલા ઝુઆંગહે યુનિવર્સિટી સિટીમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે અને ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડોર્મિટરીઓમાં જ લોકડાઉન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *