International

નોર્વેના પાટનગર ઓસ્લોમાં ઓમિક્રોનના ૫૦ કેસ

ઓસ્લો,
દુનિયાભરમાં નવા નિયંત્રણો લાગુ પાડવામાં આવી રહ્યા છે પણ યુરોપમાં નેતાઓને ભારે તકલીફ પડી રહી છે કેમ કે સામૂહિક રસીકરણને પગલે કોરોના મહામારીનો અંત આવી જશે તેવી તેમની ધારણાં ખોટી પડી છે. જેને પગલે લોકોને નિયંત્રણો સ્વીકારવા માટે રાજી કરવા એ મુશ્કેલ કામ બની રહ્યું છે. નેધરલેન્ડમાં પાંચ વાગે લોકડાઉન જાહેર થવાને પગલે લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા. બીજી તરફ સ્લોવાકિયાએ દંડને બદલે પુરસ્કાર આપવાનો અભિગમ અપનાવ્યો છે. સ્લોવાકિયાની સરકારે ૬૦ વર્ષ કરતાં વધારે વયના લોકો કોરોનાની રસી મુકાવે તો તેમને ૫૦૦ યુરોનું બોનસ આપવાની જાહેરાત કરી છે.કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને નોર્વેના પાટનગર ઓસ્લોમાં કાળો કેર વર્તાવ્યો છે. ઓસ્લોના એક રેસ્ટોરાંમાં એક નોર્વેજિયન કંપનીની ક્રિસમસ પાર્ટી દ્વારા ઓમિક્રોનનો ચેપ મોટાપાયે ફેલાવાને પગલે ઓસ્લોમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૫૦ કરતાં વધારે કેસો નોંધાયા છે અને હજી વધારે કેસો નોંધાવાની ધારણા હોવાનું ઓસ્લોની મ્યુનિસિપાલિટીએ જણાવ્યું હતું. નોર્વેજિયન ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકોને ચેપ લાગ્યા છે તેઓ ઓસ્લો અને આસપાસના વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપાલિટીઓની હદમાં રહે છે. ઓસ્લોની ચેપ શોધક ટીમે સબંધિત મ્યુનિસિપાલિટીઓનો સંપર્ક કરીને તેમને ચેપના ફેલાવા અંગે તપાસ શરૂ કરવા જણાવ્યું છે. નોર્વેમાં સોમવારે ઓમિક્રોનના પ્રથમ બે કેસ નોંધાયા હતા. હાલ નોર્વેમાં કુલ ૫૦ કરતાં વધારે ઓમિક્રોનના કેસો નોંધાયા છે. બીજી તરફ યુએસમાં પણ ઓમિક્રોનનો પહેલો કેસ કેલિફોર્નિયામાં નોંધાયો હતો. ડો. એન્થોની ફોચીએ જણાવ્યું હતું કે અમે જાણતાં હતા કે ઓમિક્રોનનો યુએસમાં પહેલો કેસ ગમે ત્યારે નોંધાઇ શકે છે. જે વ્યક્તિને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે તે ૨૨ નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. તેને કોરોનાના હળવા લક્ષણો જણાતાં તેનો ટેસ્ટ કરવામાં આવતાં તે પોઝિટિવ આવ્યો હતો. સાન ફ્રાન્સસિકોમાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ મંગળવારે સાંજે દર્દીના ચેપનો નમૂનો મેળવીને આખી રાત તેની જેનેટિક સિકવન્સ સ્થાપિત કરી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ મોડર્નાની કોરોનાની રસીના બંને ડોઝ લીધેલા છે પણ બૂસ્ટર ડોઝ માટે સમય પાક્યો નથી. ફોચીએ જણાવ્યુ હતું કે લોકોએ બૂસ્ટર ડોઝ સમયસર લઇ લેવો જાેઇએ. એમ માનવું વાજબી છે કે કોરોનાની રસી ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ પુરૂ પાડી શકે તેમ છે. હાલ આ દર્દીને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. દરમ્યાન નાતાલના તહેવાર પહેલાં જ દુનિયાભરની સરકારોએ ઓમિક્રોનના આગમનને પગલે ફરી લોકોમાં અપ્રિય કોરોના નિયંત્રણો ફરી લાદવાની શરૂઆત કરતાં લોકો વીફર્યા છે. જાપાને ઇન્ટરનેશનલ ફલાઇટ બુકિંગના રિઝર્વેશનને બંધ કરવાના આદેશને ચોતરફથી ટીકા થવાને પગલે પાછો ખેંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *