બાંગ્લાદેશ
નવરાત્રિમાં પણ બાંગ્લાદેશમાં અનેક દુર્ગા પંડાલ પર હુમલા કરીને તોડફોડ થઇ હતી. કુરાનના કથિત અપમાન બાદ ફાટી નીકળેલી હિંસામાં છ લોકોનાં મૃત્યુ થયાંહતાં.બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલા સતત વધી રહ્યા છે. સોમવારે મોડી રાતે નૌગાંવ જિલ્લાના બે ગામે અલગ અલગ મંદિરો પર હિંસક ભીડે હુમલો કર્યો હતો. હુમલા વખતે હુમલાખોરોએ મંદિરમાં રહેલી દેવી–દેવતાની મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું. દિવાળી અને કાલીપૂજન પહેલાં જ હિંદુ મંદિરો પર હુમલા શરૂ થતાં દેશમાં સાંપ્રદાયિક તંગદિલી વધી છે. આ પહેલાં નવરાત્રિ સમયમાં પણ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તંગદિલી સર્જાઇ હતી. અનેક શહેરોમાં દુર્ગા પંડાલમાં હુમલા થયા હતા. હુમલાની જાણકારી મળતાં જ પોરશા ઉપજિલ્લાના અધિકારી મહમદ નજમુલ હામિદ રજા ઘટનાસ્થાને પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે હિંસક હુમલામાં સામેલ લોકોની તપાસ શરૂ થઇ ચૂકી છે. તેમણે દાવો કર્યો હતો કે તે વિસ્તારમાં ભૂતકાળમાં હિંદુ મંદિરમાં ઘૂસીને દેવી–દેવતાની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટના નહોતી બની. તોફાનીઓએ ૧૫ ઓક્ટોબરના રોજ નૌઆખલી વિસ્તારના ઇસ્કોન મંદિર પર હુમલો કરીને પણ તોડફોડ કરી હતી. હુમલાખોરોએ ભક્તોની મારપીટ કરી હતી. ઇસ્કોન મંદિરે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે હુમલામાં સંખ્યાબંધ ભક્તો ઘાયલ થયા હતા. ભીડે મંદિર સંકુલમાં મોટાપાયે આગ પણ ચાંપી હતી.
