,અમેરિકા
અમેરિકામાં ગુરુવારે યોજાયેલ ડેમોક્રેટિક સમિટમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ જાે બાઇડેને મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને યાદ કર્યા હતા. બાઇડેને પોતાના ભાષણમાં અમેરિકી કોંગ્રેસના નેતા જ્હોન લેવિસ વિશે વાતો કરતા જણાવ્યું હતું કે જ્હોન વિશ્વભરમાં લોકશાહી અને નાગરિક અધિકારો માટેની લડતના મહાન નેતા હતા અને તેમણે નેલ્સન મંડેલા તથા મહાત્મા ગાંધીથી પ્રેરણા લીધી હતી.અમેરિકાએ ચીન, રશિયા સહીત ૧૧૦ દેશોને આ સમિટમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું હતું. જેના પ્રથમ દિવસે અમેરિકી પ્રમુખ જાે બાઇડેને વિશ્વભરના દેશોમાં ઉભા થયેલા પડકારો સામે લડવા એકત્રિત થઇ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.યુએસ પ્રમુખ જાે બાઇડેને ડેમોક્રેટિક સમિટના ભાષણમાં ભારતના રાષ્ટપિતા મહાત્મા ગાંધી અને દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી નેતા નેલ્સન મંડેલાનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકન કોંગ્રેસના નેતા જ્હોન લેવિસના સંદર્ભમાં વાત કરતી વખતે બંને મહાત્માઓને તેમણે યાદ કર્યા હતા. જાે બાઇડેને આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહી હંમેશા એકસમાન નથી હોતી. આપણે બધા દરેક બાબતમાં સહમત થઈએ એવું જરૂરી નથી. પરંતુ આજે આપણે સાથે મળીને જે પસંદગીઓ કરીશું તે આવનારી પેઢીઓના ભવિષ્યના માર્ગને પ્રસ્થાપિત કરશે. જ્હોન લેવિસ અમેરિકન લોકશાહી અને વિશ્વભરમાં નાગરિક અધિકારોના મહાન નેતા હતા. મૃત્યુ પહેલા તેમણે જણાવ્યું હતું કે ‘લોકશાહી એ રાષ્ટ્ર નથી, એક કાર્ય છે’. જાે બાઇડેને જણાવ્યું હતું કે લોકશાહીની રક્ષા માટે બધાએ સાથે ઉભા રહેવું પડશે. જે રીતે મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાએ ભારત અને આફ્રિકામાં સ્વતંત્રતા અને માનવાધિકાર માટે લડત આપી હતી તેવી જ રીતે જ્હોન લેવિસે પણ નાગરિક અધિકાર ચળવળ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર વંશીય ભેદભાવને સમાપ્ત કરવા મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.