અમેરિકા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ત્રણ ગુજરાતી નાગરિકોની વર્જિનિયા ટાપુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કૃષ્ણા પટેલ, નિકુંજ પટેલ અને અશોકકુમાર પટેલની વર્જિનિયા ટાપુના સેન્ટ ક્રોઈક્ષ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં બેસવાની તૈયારીમાં હતા એ વખતે ત્રણેયના દસ્તાવેજાે નકલી જણાતા તેમને રોકી રાખવામાં આવ્યા હતા અને પછી નકલી દસ્તાવેજાે બનાવવા બદલ તેમ જ ઘૂસણખોરીના ગુના સહિતના આરોપો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયના ડ્રાઈવિંગ લાઈસન્સમાં ગરબડ જણાઈ હતી એવું અધિકારીઓએ કહ્યું હતું. અમેરિકાના એટર્ની જનરલે એક નિવેદનમાં કહ્યું હતું કે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગત ૨૪મી નવેમ્બરે એરપોર્ટ પરથી ત્રણેય ગુજરાતી નાગરિકો પકડાયા હતા. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો તેમને ૧૦ વર્ષની જેલ થઈ શકે છે. તેમનો ત્રણેયનો અગાઉ પણ ઘૂસણખોરીનો રેકોર્ડ નોંધાયો છે. અમેરિકન વકીલના કહેવા પ્રમાણે ૨૦૧૯માં ત્રણેય ઘૂસણખોરીના આરોપ હેઠળ ફ્લોરિડામાંથી પકડાયા હતા. એ વખતે તેમને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા. અમેરિકાનો કાયદા વિભાગ આ ત્રણેય આરોપીઓ સામે કેસ દાખલ કરશે. એક વખત જે તે દેશમાં મોકલ્યા પછી ફરી પ્રયાસ કરનારા વિદેશી નાગરિકો ઉપર વધુ આકરી કલમો લગાડવામાં આવે છે. વકીલના કહેવા પ્રમાણે ત્રણેયનો ગુનો સાબિત થશે તો ૧૦ વર્ષની જેલ પછી તેમને ફરીથી મૂળ દેશમાં મોકલી દેવામાં આવશે.અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ત્રણ ગુજરાતીઓની વર્જિનિયા ટાપુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એ ત્રણેય આરોપીઓ ફ્લોરિડા જવાની ફ્લાઈટ પકડવાના હતા એ પહેલાં નકલી દસ્તાવેજાેના કારણે ઝડપાઈ ગયા હતા. ત્રણેય એ પહેલાં પણ ૨૦૧૯માં પકડાયા હતા એ વખતે તેમને ભારત પાછા મોકલી દેવાયા હતા.