વોશિંગ્ટન,
કોરોનાકાળમાં ઘણા સેક્ટર્સમાં મહિલાઓએ નોકરી ગુમાવવી પડી. એવામાં ઘણી મહિલાઓએ સ્કિલ ડેવલપમેન્ટના લક્ષ્ય સાથે એમબીએ કોર્સીસ પસંદ કરી બિઝનેસ સ્કૂલ્સમાં વધુમાં વધુ એડમિશન લીધાં.કોરોનાકાળમાં વર્કફોર્સમાં મહિલાઓની સંખ્યા ઘટી પરંતુ આશાજનક તથ્ય છે કે બિઝનેસ સ્કૂલના એમબીએ કોર્સીસમાં મહિલાઓની સંખ્યા આ વર્ષે ૩૯% વધી છે. અમેરિકાના ફોર્ટે ફાઉન્ડેશનના જણાવ્યાનુસાર ૫૬ બિઝનેસ સ્કૂલમાં ૪૧% મહિલાઓ ફુલટાઇમ એમબીએ કોર્સીસમાં એનરોલ્ડ છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આ ઘણો હકારાત્મક સંકેત છે. તેનાથી વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ વધશે. એમબીએ કોર્સીસમાં ૨૦ વર્ષમાં પહેલીવાર મહિલાઓનું ૪૧% એનરોલમેન્ટ થયું છે. અમેરિકાની બે-તૃતીયાંશ બિઝનેસ સ્કૂલમાં મહિલાઓની સંખ્યા વધી છે. તેમાંથી પણ ૧૦ બિઝનેસ સ્કૂલમાં મહિલાઓની સંખ્યામાં લગભગ ૪૫%નો વધારો થયો છે. ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ છેલ્લાં ૧૦ વર્ષમાં અમેરિકાની એકેય બિઝનેસ સ્કૂલમાં મહિલાઓની સંખ્યા ક્યારેય ૪૫%થી વધુ નથી રહી પણ આ વર્ષે પ્રતિષ્ઠિત વોશિંગ્ટન સ્કૂલ ઑફ બિઝનેસ, યુનિ. ઑફ પેનસિલ્વેનિયાની વૉર્ટન સ્કૂલ અને જાેન હોપકિન્સ બિઝનેસ સ્કૂલમાં મહિલાઓની સંખ્યા ૫૦%થી વધુ થઇ ગઇ છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આ ટ્રેન્ડ જાેતાં લાગે છે કે ૨૦૩૦ સુધીમાં વર્કફોર્સમાં લીડરશિપમાં જાતિ સમાનતા આવી જશે.