વોશિંગ્ટન
અમેરિકાના સંરક્ષણ વિભાગે અમેરિકન સંસદને જણાવ્યું કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) સરહદીય વિવાદોના કારણે ભારત અને અમેરિકા નજીક આવે તેમ ઈચ્છતું નથી. ચીનના અધિકારીઓએ અમેરિકન અધિકારીઓને ભારત સાથે ચીનના સંબંધોમાં હસ્તક્ષેપ નહીં કરવાની ચેતવણી આપી છે. પેન્ટાગોને કહ્યું કે, મે ૨૦૨૦ની શરૂઆતમાં ચીની સૈન્યે સરહદ પારથી ભારતીય નિયંત્રિત ક્ષેત્રમાં ઘૂસણખોરી શરૂ કરી અને એલએસી પર સંઘર્ષવાળા અનેક સ્થળો પર સૈનિકોની નિમણૂક કરી હતી. જૂન ૨૦૨૧ સુધીમાં ચીન અને ભારતે એલએસી પર મોટાપાયે સૈનિકોની નિયુક્તિ જાળવી રાખી હતી. આ સિવાય તિબેટ અને શિનજિયાંગ સૈન્ય જિલ્લાઓમાંથી પર્યાપ્ત પ્રમાણમાં રિઝર્વ ફોર્સને પશ્ચિમી ચીનના અંતરિયાળ વિસ્તારોમાં તૈનાત કરાઈ હતી, જેથી ત્વરિત પ્રતિક્રિયા માટે તેમને તૈયાર રાખી શકાય. જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ૨૦ ભારતીય જવાનોના મોત થયા હતા. ૧૯૭૫ પછી એલએસી પર જવાનોએ જીવ ગુમાવ્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. પેન્ટાગોને કહ્યું કે, ફેબુ્રઆરી ૨૦૨૧માં ચીનના કેન્દ્રીય સૈન્ય આયોગ (સીએમસી)એ પીએલએના ચાર સૈનિકોને મરણોપરાંત એવોર્ડની જાહેરાત કરી હતી. જાેકે, ગલવાન ઘાટીમાં ચીનના માર્યા ગયેલા સૈનિકોની કુલ સંખ્યા અંગે હજુ જાણ થઈ શકી નથી. પેન્ટાગોને કહ્યું કે સરહદ પર તણાવ ઘટાડવા માટે ચાલી રહેલા રાજકીય અને સૈન્ય વાટાઘાટો છતાં, ચીને એલએસી પર તેના દાવાઓ અંગે દબાણ બનાવવા માટે અનેક વખત વ્યૂહાત્મક કાર્યવાહીઓ વધારવાનું ચાલુ રાખ્યું છે. જાેકે, ભારતે તેના દરેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે અને સફળતાપૂર્વક ચીનનો સામનો કર્યો છે.અરૂણાચલ પ્રદેશ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાસે ચીને એક ગામ વસાવ્યું છે. આ ગામ ભારતની જમીન પચાવી પાડી વસાવવામાં આવ્યું હોવાનો પેન્ટાગોનના એક રિપોર્ટમાં દાવો કરાયો છે. સૈન્ય અને સુરક્ષા વિકાસ પર અમેરિકન વિભાગના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે ચીને અરૂણાચલ પ્રદેશ સેક્ટરમાં એક વિવાદાસ્પદ ક્ષેત્રમાં એક મોટું ગામ વસાવી દીધું છે. એટલું જ નહીં ચીન એલએસી પર તેના દાવા અંગે દબાણ વધારવાની વ્યૂહરચનાના ભાગરૂપે સતત અટકચાળા કરી ભારતને પરેશાન કરી રહ્યું છે. જાેકે, ભારતે ચીનના બધા જ કાવતરાંઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. ચીને ભારતને અમેરિકા સાથે સંબંધો ગાઢ બનાવતા રોકવાના પ્રયાસો પણ કર્યો છે, પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી છે તેમ પેન્ટાગોને તેના તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું છે. ચીને અરૂણાચલ પ્રદેશમાં ૪.૫ કિ.મી અંદર ઘૂસણખોરી કરીને ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના અહેવાલ પછી મંગળવારે સૂત્રોએ જણાવ્યું હતું કે આ ગામ ચીન દ્વારા નિયંત્રીત વિસ્તાર અપર સબનસિરિમાં વિવાદાસ્પદ સરહદી વિસ્તારમાં છે. ચીનના સૈન્યે ૧૯૫૯માં અરૂણાચલ પ્રદેશની સરહદે લોન્ગજુ ઘટના તરીકે ઓળખાતા એક ઓપરેશનમાં આસામ રાઈફલ્સની પોસ્ટ પચાવી પાડયા પછી લાંબા સમય સુધી સૈન્ય પોસ્ટ તરીકે આ વિસ્તાર પર કબજાે જમાવી રાખ્યો હતો. ત્યાર પછી લગભગ છ દાયકામાં ધીમે ધીમે તેણે અહીં ‘૧૦૦ મકાનોનું નાગરિકોનું ગામ’ વસાવ્યું છે. પેન્ટાગોનના અહેવાલમાં જણાવાયું હતું કે, ચીને ૨૦૨૦માં એલએસીના પૂર્વીય સેક્ટરમાં ચાઈનીઝ તિબેટ સ્વાયત્ત પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે વિવાદાસ્પદ વિસ્તારમાં ૧૦૦ મકાનોનું મોટું ગામ વસાવ્યું છે.