બેઈજિંગ
ચીન સામે સૌથી મોટો પડકાર માનવ નિર્મિત સિગ્નલને સ્વાભાવિકરૂપે પેદા થતી ઓછી આવૃત્તિવાળા બેકગ્રાઉન્ડ અવાજથી અલગ કરવાની છે. ચીને રશિયા સાથે એક સંયુક્ત પ્રયોગ પણ કર્યો, જેથી એ જાેઈ શકાય કે સિગ્નલ જમીનથી કેટલા દૂર સુધી જઈ શકે છે. આ દરમિયાન એક રશિયન સ્ટેશનને ૭,૦૦૦ કિ.મી. દૂરથી એક મેસેજ મળ્યો, પરંતુ દૂરના અંતરના કારણે આ કોમ્યુનિકેશન એક તરફી હતો અને માત્ર એન્ક્રિપ્ટેડ ટેસ્ટ મેસેજ જ મોકલી શકાતો હતો. પરંતુ ચીની સૈન્ય સંશોધકોએ કહ્યું કે સબમરીન અને પાણી નીચેના ડ્રોન જેવી સ્માર્ટ ડિવાઈસીસ એકતરફી કમાન્ડ મેળવી શકે છે અથવા પોતાના લક્ષ્ય અંગે કમાન્ડના આદેશ પર કાર્યવાહી કરી શકે છે.ચીને સમુદ્રો પર તેનું પ્રભુત્વ જમાવવા માટે અમેરિકાથી પણ મોટું વિશ્વનું સૌથી મોટું નૌકાદળ બનાવી લીધું છે. હવે ચીને હજારો કિ.મી. દૂર પેટ્રોલિંગ કરી રહેલી સબમરીનને સિગ્નલ આપવા માટે દુનિયાનું સૌથી મોટું એન્ટેના એક્ટિવ કરી દીધું છે. આ એન્ટિનાનો ઉપયોગ સૈન્યની સાથે નાગરિક સંચારને મજબૂત કરવા માટે પણ કરાઈ રહ્યો છે. આ એન્ટેનાનું ચોક્કસ લોકેશન હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે તે હુબેઈ, એનહુઈ અને હેનાન પ્રાંતમાં એક સંરક્ષિત પ્રાકૃતિક રિઝર્વ ડેબી પર્વતમાં ક્યાંક છે. આ એન્ટેના સક્રિય થવાથી સમુદ્રમાં ચીનની તાકતમાં વધારો થવાનો અંદાજ છે. આ એન્ટેનાથી મોકલાયેલા સિગ્નલ જમીન અને પાણીમાં હજારો કિ.મી. દૂર સુધી જઈ શકે છે. અવકાશમાંથી જાેતા આ એન્ટેના કોઈ વિશાળ ક્રોસ જેવું દેખાય છે. આ એન્ટેના સામાન્ય વીજળી લાઈનોની જેમ કેબલો અને થાંભલાના નેટવર્કથી બનાવાયું હોવાનું જણાય છે. આ એન્ટેનાની લંબાઈ અને પહોળાઈ ૧૦૦ કિ.મી. જણાવાય છે. લાઈનોના અંતમાં તાંબાના નોડ્સ જાડા ગ્રેનાઈટ્સમાં ઊંડે સુધી લગાવાયા છે. આ એન્ટેના ચલાવવા માટે બે શક્તિશાળી અન્ડરગ્રાઉન્ડ ટ્રાન્સમીટર લગાવાયા છે. એક ટ્રાન્સમિટરમાં ખામી સર્જાય અથવા તે બેકાર થઈ જાય તો બીજા ટ્રાન્સમિટરનો ઉપયોગ કરાઈ શકાય છે. આ ટ્રાન્સમીટર એક મેગાવોટ ઈલેક્ટ્રિકલ કરંટ પેદા કરવા સક્ષમ છે. ગયા મહિને ચીનની જર્નલ ઓફ શિપ રિસર્ચમાં પ્રકાશિત એક લેખ મુજબ સમુદ્રની સપાટીથી ૨૦૦ મીટર (૭૦૦ ફૂટ) નીચે લગાવાયેલા ઉપકરણો સરળતાથી ૧૩૦૦ કિ.મી. (૮૦૦ માઈલ) દૂર વિશાળ એન્ટેનામાંથી સિગ્નલ મેળવી શકે છે. ચીનના આ એન્ટેનાવાળી જગ્યાથી ૧૩૦૦ કિ.મી.ની રેન્જમાં સમગ્ર કોરિયન ટાપુઓ, જાપાન, તાઈવાન અને દક્ષિણ ચીન સાગર કવર થઈ જાય છે. તેનો અર્થ એ છે કે સમુદ્રમાં ૨૦૦ મીટર નીચે તરી રહેલી ચીની સબમરીન ૧૩૦૦ કિ.મી.ની રેન્જમાં આ એન્ટેના મારફત કમ્યુનિકેશન કરી શકે છે. વુહાન મેરીટાઈમ કમ્યુનિકેશન રિસર્ચ ઈન્સ્ટિટયૂટના પ્રોજેક્ટના મુખ્ય એન્જિનિયર ઝા મિંગ અને તેના સાથીઓએ કહ્યું કે આ ફેસિલિટીને ૩,૦૦૦ કિ.મી. (૧,૯૦૦ માઈલ)ની ફુલ રેન્જમાં પાણીની નીચે સંપર્ક જાળળી રાખવા માટે ડિઝાઈન કરાયું હતું. આ સિગ્નલ પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં સ્થિત સૌથી મોટા અમેરિકન સૈન્ય બેઝ ગુઆમ સુધી પહોંચવા માટે સક્ષમ છે. અત્યંત ઓછી આવૃત્તિ (ઈએલએફ)નું આ એન્ટેના ૦.૧થી ૩૦૦ હર્ટ્ઝ સુધી વિદ્યુત ચુંબકીય તરંગો પેદા કરી શકે છે. આ રેડિયો તરંગો પાણીની નીચે અને જમીનની નીચે બંને જગ્યાએ ખૂબ જ દૂર સુધી જઈ શકે છે.