બૈજિંગ
ચીનની મધ્યસ્થ બેન્ક મેદાનમાં ઉતરતા અને તેણે બે અગ્રણી ડેવલપરોના પેમેન્ટ અંગે આશ્વાસન આપતા ઓફશોર બોન્ડ માર્કેટે તેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. પ્રોપર્ટી ડેવલપરોના ઇશ્યુઅરોનું પ્રભુત્વ ધરાવતો ચીનનો હાઈ યીલ્ડ ડેટ ઇન્ડેક્સે મંગળવારે ૧,૪૮૪ પોઇન્ટ સાથે વ્યાપક સ્પ્રેડ નોંધાવ્યો છે. આ ઉપરાંત સુનાક ચાઈનાએ પણ બોન્ડધારકોને લેણા નીકળતા ૨.૭૪ કરોડ ડોલરની ચૂકવણી કરી હતી. કૈસા ગ્રુપે સોમવારે જણાવ્યું હતું કે તેણે ૧૬ ઓક્ટોબરે પાકતા કુપનની ચૂકવણી કરી દીધી છે. તે ૨૨ ઓક્ટોબરે પાકતી રકમ પેટે ૩.૫૮ કરોડ ડોલર ટ્રાન્સફર કરવાનું આયોજન ધરાવે છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાએ આશ્વાસન આપ્યું છે કે ચીનની એવરગ્રાન્ડની કટોકટીને પહોંચી વળાય તેમ છે તેના પછી આંતરરાષ્ટ્રીય સ્તરે બોન્ડધારકોનો શ્વાસ હેઠો બેઠો છે.ચીનની અગ્રણી પ્રોપર્ટી ડેવલપર એવરગ્રાન્ડે મંગળવારે પાકતા ઓનશોર કુપન પેમેન્ટ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે રાહતની લાગણી ફેલાઈ છે. રોકડની કટોકટીમાં સપડાયેલી આ પ્રોપર્ટી ડેવલપર કંપની આ ચૂકવણીમાં નાદારી નોંધાવે તેમ માનવામાં આવતું હતું. હેંગડા રિયલ એસ્ટેટ ગુ્રપ જેની મુખ્ય કંપની એવરગ્રાન્ડે છે તેણે ઓનશોર બોન્ડ કુપનધારકોને ૧૨.૧૮ કરોડ યુઆન (૧.૯ કરોડ ડોલર)ની ચૂકવણી કરી છે. ચીનની બીજા નંબરની ડેવલપર કંપની અંગે જાણકાર વ્યક્તિના જણાવ્યા મુજબ તેણે સ્થાનિક બજારમાં મર્યાદિત ભંડોળના ઉપયોગને અગ્રતાક્રમ આપવો જાેઈએ. દેશની નાણાકીય સિસ્ટમ પ્રત્યેની તેની જવાબદારી વધારે છે. એવરગ્રાન્ડે તરલતાની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને તેના પર ૩૦૦ અબજ ડોલરનો બોજાે છે. તેણે બોન્ડ ચૂકવણીઓમાં શ્રેણીબદ્ધ ધોરણે નાદારી નોંધાવી છે. તેના લીધે વિશ્વના બજારો ખળભળી ઉઠયા છે અને બીજી લીમેન કટોકટીનો ડર સેવી રહ્યા છે. આ કારણે ચીનના પ્રોપર્ટી ડેવલપરો દ્વારા જારી કરવામાં આવતા ઊંચી ઊપજવાળા બોન્ડ ઊંધા માથે પટકાયા હતા. કંપની ૨૩ સપ્ટેમ્બરના રોજ કુપન પેમેન્ટની તારીખ ચૂકી ગયા પછી તેને ૩૦ દિવસના આપવામાં આવેલા ગ્રેસ પીરિયડમાં તેનું પાલન કરી શકી ન હોત તો ૨૩ માર્ચ ૨૦૨૨ના રોજ પાકતા બોન્ડની ચૂકવણીમાં તે નાદાર જાહેર થઈ હોત.