અલ્ઝીરિયા
જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના સતત ૧૬ વર્ષના શાસનનો અંત આવ્યો હતો, એમ કહી શકાય કે એક યુગનો અસ્ત થયો હતો અને તેમના ઉત્તરાધિકારી તરીકે ઓલાફ શોલ્ઝે સત્તાની કમાન સંભાળી છે. નોંધનીય છે કે મર્કેલ ૨૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ જર્મનીની ચાન્સેલર બનનારાં પ્રથમ મહિલા હતાં. તેમણે પોતાના વિક્રમી કાર્યકાળ દરમિયાન વિદેશો તરફથી પ્રશંસા અને ઘરઆંગણે અઢળક લોકચાહના મેળવી હતી. શોલ્ઝ તેમના નાણાપ્રધાન અને વાઇસ ચાન્સેલર હતાં. શોલ્ઝના નામને મંજૂરી આપવાના એક દિવસ અગાઉ દેશના ત્રણ દળોએ પ્રગતિશીલ ગઠબંધન બનાવવાને લઇને એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં. અત્રે નોંધનીય છે કે પ્રથમવાર દેશમાં સરકાર બનાવવા માટે ત્રણ દળોએ સમજૂતિ કરી છે. સંસદે ઓલાફ સ્કોલ્ઝને દેશના નવા ચાન્સેલર તરીકે ચૂંટયા હતાં. સ્કોલ્ઝને કુલ ૭૩૬ સાંસદોમાંથી ૩૯૫ સાંસદોનું સમર્થન મળ્યું હતું. તે પછી જર્મનીના પ્રેસિડેન્ટે ચાન્સેલર તરીકે સ્કોલ્ઝના નામની ઔપચારિક જાહેરાત કરી હતી અને તે પછી સંસદના અધ્યક્ષે તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ બાદ ઓલાફ દેશના નવમા ચાન્સેલર છે. શોલ્ઝે શપથગ્રહણ બાદ વચન આપ્યું હતું કે તેઓ જર્મની માટેના નવા આરંભ માટે બધું કરી છૂટશે.