ટોકીયો
તકાશીએ એક મહિલાને પોતાના જન્મદિન તરીકે ફેબ્રુઆરીની તારીખ કહી તો બીજી યુવતીને એપ્રિલની અને ત્રીજીને જુલાઈની. ખરેખર તો તકાશીનો બર્થ-ડે ૧૩ નવેમ્બરે હતો. તેણે આવી ખોટી તારીખો બતાવીને લગભગ દરરોજ એક નવી છોકરી કે મહિલા સાથે પાર્ટી કરી હતી અને તેમની પાસેથી ગિફ્ટ મેળવી હતી. તકાશીને કુલ ૧,૦૦,૦૦૦ યેન (અંદાજે ૬૭,૦૦૦ રૂપિયા)ની બક્ષિસો મળી હતી. તેણે યુવતીઓ સાથે નિતનવી વાતો કરવાનો આનંદ તો લીધો, તેમના હાથે ગિફ્ટ પણ મેળવી. જાેકે એમાંની કેટલીક યુવતીઓને તકાશીના કાવતરાની ગંધ આવી જતાં સંગઠન બનાવ્યું અને ભાંડો ફોડી નાખ્યો અને પછી પોલીસમાં પકડાવી દીધો.કોઈ યુવાન કોઈ છોકરીને કે યુવતીને ડેટ પર લઈ જાય એની પાછળનો યુવાનનો હેતુ મોટા ભાગે સામેવાળી વ્યકિતને પણ ધ્યાનમાં હોય જ, પરંતુ જપાનના ૩૯ વર્ષના તકાશી મિયાગાવાએ જે કર્યું એવું અગાઉ કોઈએ નહીં જ કર્યું હોય. તેણે થોડા દિવસના અંતરે બે કે ચાર નહીં, પણ પૂરી ૩૫ મહિલાઓને પોતાની અલગ બર્થ-ડેટ બતાવીને ડેટ પર બોલાવી હતી અને એની પાછળનો તકાશીનો એકમાત્ર હેતુ તેમની પાસેથી અલગ-અલગ પ્રકારની બર્થ-ડે ગિફ્ટ મેળવવાનો હતો જે વાત પછીથી બહાર આવી હતી.