International

પાકિસ્તાનને ચીને સૌથી અત્યાધુનિક વોરશિપ આપ્યું

બેઈજિંગ
ચાઈના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન લિમિટેડે ડિઝાઈન કરેલું અને બનાવેલું વોરશિપ શાંઘાઈમાં એક કમિશન સમારંભમાં પાકિસ્તાની નૌકાદળને સોંપાયું હતું. પાકિસ્તાની નૌકાદળે આ ટાઈપ ૦૫૪એ/પી ફ્રિગેટને પીએનએસ તુગરિલ નામ આપ્યું છે. નૌકાદળે જણાવ્યું હતું કે તુગરિલ ચાર પ્રકારના ૦૫૪ ફ્રિગેટનો પહેલો ભાગ છે, જેનું નિર્માણ પાકિસ્તાની નૌકાદળ માટે કરાઈ રહ્યું છે. ટાઈપ ૦૫૪ ફ્રિગેટ માટે બંને દેશોએ ૨૦૧૭માં કરાર કર્યા હતા. આ પ્રકારનું પહેલું વોરશિપ ઑગસ્ટ ૨૦૨૦માં તૈયાર થયું હતું, જેનું હવે ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ચીની નૌકાદળે સમુદ્રમાં ઓછામાં ઓછા ૩૦ ટાઈપ ૦૫૪ વોરશિપ તૈનાત કર્યા છે. પીપલ્સ લિબરેશન આર્મીની નેવલ રિસર્ચ એકેડમીના એક વરિષ્ઠ સંશોધક ઝાંગ જુંશેએ જણાવ્યું કે જૂના ચીની ફ્રિગેટની સરખામણીમાં આ નવી ફ્રિગેટ વધુ સારી હવાઈ સુરક્ષા પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેની રડાર સિસ્ટમ વધુ સારી છે અને તે લાંબા અંતરની મિસાઈલોથી સજ્જ છે. ફ્રિગેટ એક્સટેન્સિવ સર્વિલન્સમાં નિપુણ છે. વોરશિપ જમીનથી જમીનની સાથે જમીનથી હવા અને પાણીમાં જબરજસ્ત મારક ક્ષમતા ધરાવે છે. આ કોમ્બેટ મેનેજમેન્ટ સાથે સેલ્ફ ડિફેન્સ ક્ષમતા અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી સજ્જ છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ હિંદ મહાસાગર અને અરબી મહાસાગરમાં દરિયાઈ સંરક્ષણ, શાંતિની જાળવણી, સ્થિરતા અને સત્તા સંતુલન માટે પાકિસ્તાનની નૌકાદળની ક્ષમતાઓને મજબૂત કરવામાં તુગરિલ ક્લાસ ફ્રિગટે મહત્વની ભૂમિકા ભજવશે. પાકિસ્તાને જણાવ્યું હતું કે ટાઈપ ૦૫૪એ/પી ફ્રિગેટ કોઈપણ વાતાવરણમાં યુદ્ધ અભિયાનોને પૂરા કરી શકે છે. સીએસએસસીએ કહ્યું કે વોરશિપ ચીન દ્વારા અત્યાર સુધીમાં નિકાસ કરાયેલું સૌથી મોટું અને સૌથી એડવાન્સ વોરશિપ છે. ૨૦૨૧ની શરૂઆતમાં ચીની સરકારી મીડિયાએ પાકિસ્તાનના નૌકાદળના પ્રમુખ એડમિરલ એમ. અમજદ ખાન નિયાઝીને ચીન પાસેથી યુદ્ધજહાજ ખરીદવાની વાત કરી હતી.ચીન પાકિસ્તાન સાથે ઓલ-વેધર સ્ટ્રેટેજિક જાેડાણના ભાગરૂપે પાકિસ્તાની સૈન્ય માટે સૌથી મોટું શસ્ત્ર સપ્લાયર તરીકે ઊભરી આવ્યું છે. અત્યાધુનિક નેવલ શિપ્સ ઉપરાંત ચીને જેએફ-૧૭ થન્ડર ફાઈટર એરક્રાફ્ટ વિકસાવવા માટે પાકિસ્તાન એરફોર્સ સાથે ભાગીદારી કરી છે. ચીને તાજેતરના વર્ષોમાં હિન્દ મહાસાગર અને અરબી મહાસાગરમાં તેની હાજરી વધારી હોવાથી તેણે પાકિસ્તાની નૌકાદળની ક્ષમતાઓ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. વધુમાં ચીને હિંદ મહાસાગરમાં હોર્ન ઓફ આફ્રિકામાં ડીજિબૌટીમાં તેનું સૌપ્રથમ મિલિટરી બેઝ વિકસાવ્યા પછી અરબી સમુદ્રમાં પાકિસ્તાનનું ગ્વદર બંદર પણ વિકસાવ્યું છે, જે ૬૦ અબજ યુએસ ડોલરના ખર્ચે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોરમાં જમીન માર્ગે ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જાેડાશે.ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રમાં તેની હાજરી વધારીને ભારતીય નૌકાદળને પડકાર ફેંક્યો છે અને હવે તેણે ભારતીય નૌકાદળને મુશ્કેલીમાં મુકવા માટે પાકિસ્તાનને સૌથી મોટું અને અત્યાધુનિક વોરશિપ આપ્યું છે. આ ફ્રિગેટની મદદથી પાકિસ્તાની નૌકાદળની તાકતમાં જબરજસ્ત વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *