ઢાકા
ક્ષિણ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના પંડાલો અને મંદિરોમાં તોડફોડ પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. અહેવાલો મુજબ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને બદનામ કરવાના ઈરાદાથી આ હુમલા કરાયા છે. બુધવારે કુરાનના કથિત રીતે અપમાન પછી આ વિસ્તારોમાં હિંસા ફેલાઈ હતી. અહેવાલો મુજબ જમાત-એ-ઈસ્લામીએ આ વિવાદ ભડકાવ્યો છે. જમાત-એ-ઈસ્લામી એ જ સંગઠન છે જેણે તાલિબાને અફઘાનિસ્તાનમાં કબજાે જમાવ્યા પછી ‘બાંગ્લાદેશ બનેગા અફઘાનિસ્તાન’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ શ્રેણીમાં જ આ પ્રકારના સૂત્રોચ્ચાર દ્વારા આ સંગઠન યુવાનોને કટ્ટરવાદી બનાવી રહ્યું છે. ઢાકા સ્થિત એક રાજદૂતે જણાવ્યું હતું કે ૧૩મી ઑક્ટોબરની ઘટનાનો આશય બાંગ્લાદેશ સરકારની છબી ખરડવાનો અને ભારતને પ્રતિક્રિયા આપવા માટે મજબૂર કરવાનો હતો. જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો વિરોધ કરે છે અને કટ્ટરવાદને પ્રોત્સાહન આપે છે.બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અમાનવીય વ્યવહાર ફરી એક વખત ખુલીને સામે આવ્યો છે. અહીં દુર્ગા પૂજાની ઊજવણી દરમિયાન અનેક જગ્યાઓ પર અરાજક તત્વોએ મંદિરો પર હુમલા કર્યા હતા, જેમાં ત્રણનાં મોત નીપજ્યાં અને ૬૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. દેશમાં સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે સરકારે ૨૨ જિલ્લાઓમાં અર્ધલશ્કરી દળો તેનાત કરવા પડયા છે. ઢાકાથી અંદાજે ૧૦૦ કિ.મી. દૂર કમિલા નામની જગ્યાએ ઈશનિંદાના આરોપ પછી મંદિરોમાં તોડફોડ કરાઈ હતી. બાંગ્લાદેશના ન્યૂઝ પોર્ટલ બીડીન્યુઝ૨૪.કોમના અહેવાલ મુજબ બુધવારે ચાંદપુરના હાજીગંજ, ચત્તોરગ્રામના બાંસખલી અને કોક્સ બજારના પેકુઆમાં પણ મંદિરોમાં તોડફોડ કરાઈ હતી. ઢાકા ટ્રિબ્યુનલના અહેવાલ મુજબ સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી અને એક પછી એક દુર્ગા પૂજાના અનેક પાંડાલો પર રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. મીડિયા અહેવાલો મુજબ કમિલ્લા નજીક ચાંદપુરમાં હાજિગંજ ખાતે મુસ્લિમ અરાજક તત્વો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણનાં મોત નીપજ્યાં હતા જ્યારે ચોથી વ્યક્તિનું મોત ઈજાના કારણે થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ટોળાએ પોલીસ અને સ્થાનિક અધિકારીઓ પર પણ હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલો મુજબ ૫૦૦થી વધુ લોકોના ટોળાએ હુમલો કરતાં પોલીસે તેમના પર ખુલ્લો ગોળીબાર કર્યો હતો. શાસક અવામી લીગના મહાસચિવ અને પરિવહન મંત્રી અબૈદુલ કાદરે જણાવ્યું હતું કે અરાજક તત્વોએ રાજકારણ પ્રેરિત ૧૦થી ૧૨ સ્થળો પર હિન્દુ મંદિરો પર હુમલો કર્યો હતો. સ્થિતિ નિયંત્રણ બહાર જતાં બાંગ્લાદેશના ૨૨ જિલ્લાઓમાં ત્રાસવાદ વિરોધી બાંગ્લાદેશ પોલીસ રેપિડ એક્શન બટાલિયન (આરએબી) અને અર્ધલશ્કરી દળ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ને તૈનાત કરાઈ હતી. બીજીબીના ડિરેક્ટર ઓફ ઓપરેશન લેફ્ટનન્ટ કર્નલ ફૈઝુર રહેમાને જણાવ્યું હતું કે, ગૃહમંત્રાલયની વિનંતીના પગલે દુર્ગા પુજાના પંડાલોની સલામતી માટે બીજીબી જવાનો તૈનાત કરાયા છે.
