બ્રિટન
બ્રિટન હેવી વાહનો ચલાવી શકે એવા પાંચ હજાર વિદેશી ડ્રાઈવરોને ત્રણ મહિનાના વિઝા આપીને દેશમાં બોલાવશે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે બ્રિટનમાં ડ્રાઈવરોની નિવૃત્તિ વય ૫૫ વર્ષ છે. એમાંથી મોટાભાગના હેવી લાઈસન્સ ધરાવતા ડ્રાઈવર્સ નિવૃત્તિની વયની નજીક છે. ૨૫ વર્ષ કે તેની નજીકની વય ધરાવતા ડ્રાઈવરોની સંખ્યા એક ટકો પણ નથી. આવી વિચિત્ર સ્થિતિ વચ્ચે કેટલાય રમૂજી બનાવો પણ બને છે. એક યુવકે પેટ્રોલ-પંપમાં લાંબી લાઈનમાં પેટ્રોલ પૂરાવવાની રાહ જાેતા કારચાલકોની મશ્કરી કરી હતી. ગસ લી ડોલ્ફીન નામનો યુવાન થેમ્સ ડીટોન નામના વિસ્તારમાં ઘોડા પર પહોંચ્યો હતો. ઘણી કાર પેટ્રોલ પંપમાં ઉભી હતી. એમાં તેણે મ્યુઝીક વગાડયું હતું, જેનો અર્થ થતો હતો કે હું મારા ઘોડા પર છું, મારે પેટ્રોલની જરૃર નથી. ઘોડો તો ગાજર ખાઈને પણ નિયત જગ્યાએ પહોચાડી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. લોકોએ એ આઈડિયાને પસંદ કર્યો હતો. કેટલાક લોકોએ સાઈકલ પર સવાર થઈને વીડિયો મૂક્યા હતા.બ્રિટનમાં હેવી ડ્રાઈવરોના અભાવે આખી સપ્લાય ચેન તૂટી ગઈ છે. ૭૦ ટકા પેટ્રોલ પંપમાં પૂરતું ઈંધણ નથી. મોટાભાગના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં જીવન જરૃરી ચીજવસ્તુઓની અછત થઈ ગઈ છે. બ્રિટન ડ્રાઈવરોની ગંભીર અછતનો સામનો કરી રહ્યું હોવાથી સામાનની હેરફેર માટે સૈન્યની મદદ લેવામાં આવશે. બ્રિટનમાં લગભગ ૬૫થી ૭૦ ટકા પેટ્રોલ પંપ પાસે પૂરતું ઈંધણ નથી. લોકો કાર-વાહનોમાં પેટ્રોલ-ડીઝલ પૂરાવવા આવે ત્યારે લાંબી લાઈનમાં રાહ જાેવી પડે છે. કરિયાણા સ્ટોરમાં પૂરતી સામગ્રી નથી આવતી. આ બધું માત્ર સપ્લાયના અભાવે થઈ રહ્યું છે. અછત ચીજ-વસ્તુઓની કે પેટ્રોલ-ડીઝલની નથી, ડ્રાઈવરોની છે. મોટા વાહનો ચલાવે એવા ડ્રાઈવરોના અભાવે અત્યારે નાના વાહનોથી મર્યાદિત જ સપ્લાય થઈ રહી છે. એક અંદાજ પ્રમાણે બ્રિટનમાં ઓછામાં ઓછાં ૭૦ હજાર ડ્રાઈવરોની અછત છે. ચાલુ વર્ષે હેવી લાઈસન્સ માટે ૩૦ ટેસ્ટ ઓછાં થયા હતા. એમાં બે-ત્રણ કારણો છે. એમ તો હેવી વાહનોનું ડ્રાઈવિંગ ઓછું થતું જાય છે. સામાન્ય ડ્રાઈવર્સ હેવી ડ્રાઈવર્સ માટે ટેસ્ટ આપવાનું ટાળે છે. વળી, યુરોપિયન સંઘથી અલગ થવાના કારણે યુરોપના હેવી લાઈસન્સ ધરાવતા ડ્રાઈવર્સ પોત-પોતાના દેશમાં કોરોનાકાળ દરમિયાન ચાલ્યા ગયા છે.