કોલમ્બો
શ્રીલંકન સરકારે ડીપ-સી કન્ટેનર પોર્ટ વિકસાવવા માટે ભારત અને જાપાન સાથેનો ત્રીપક્ષીય કરાર રદ કર્યાના મહિનાઓ પછી ગયા મહિને કોલોમ્બો પોર્ટનું પૂર્વીય કન્ટેનર ટર્મિનલ વિકસાવવા માટે સરકારી માલિકીની ચીન હાર્બર એન્જિનિયરિંગ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ચીન બેઈજિંગના વિવાદાસ્પદ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ) પ્રોજેક્ટ હેઠળ શ્રીલંકામાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. પરંતુ આ બાબતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રીલંકાએ આકરી ટીકાનો સામનો કરવો પડયો છે અને ચીન શ્રીલંકાને દેવાના કળણમાં ઘસડી રહ્યું હોવાની ચિંતા ફેલાવા લાગી છે. શ્રીલંકાએ વર્ષ ૨૦૧૭માં ૧.૨ અબજ યુએસ ડોલરનું દેવું ચૂકવવા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હમ્બનટોટા બંદર સરકારી માલિકીની ચીની કંપનીને ૯૯ વર્ષના ભાડા પેટે સોંપી દેવું પડયું હતું.શ્રીલંકાના ટાપુઓ પર ચીનના હાઈબ્રિડ એનર્જી પ્લાન્ટ્સ સામે ભારતે વાંધો ઉઠાવ્યા પછી ચીને ત્રણ ટાપુઓ પર તેના આ પ્રોજેક્ટ્સનું કામકાજ બંધ કરવું પડયું છે. જાન્યુઆરીમાં ચીનની કંપની સિનો સૌર હાઈબ્રિડ ટેક્નલોજીને શ્રીલંકાના જાફનાના દરિયાકાંઠા નજીક ત્રણ ટાપુઓ ડેલ્ફ્ટ, નાગાદીપ અને અનાલ્થિવુમાં હાઈબ્રિડ વૈકલ્પિક ઊર્જા સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જાેકે, આ ત્રણે ટાપુઓ તામિલનાડુની ખૂબ જ નજીક હોવાથી ભારતે આ પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારતે વાંધો ઉઠાવ્યા પછી અંતે ચીને ભારતનું નામ લીધા વિના બુધવારે પુષ્ટી કરી હતી કે, ત્રીજા પક્ષની સલામતીની ચિંતાઓના કારણે શ્રીલંકાની ઉત્તરે ત્રણ ટાપુઓ પર હાઈબ્રિડ એનર્જી સિસ્ટમ ઊભી કરવાનો સિનો સૌર હાઈબ્રિડ ટેક્નોલોજીનો પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે. તેના બદલે ચીને ઉમેર્યું હતું કે, તેણે માલ્દિવ્સમાં ૧૨ ટાપુઓમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા ૨૯મી નવેમ્બરે એક કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. ન્યૂઝફર્સ્ટ.આઈકેના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૧ના પ્રારંભમાં ભારતે ડેલ્ફ્ટ, નાગાદીપ અને અનાલ્થિવુમાં વૈકલ્પિક એનર્જી પાવર પ્લાન્ટના બાંધકામ માટે ચીનની કંપનીને ટેન્ડર આપવા સામે શ્રીલંકા સમક્ષ ‘તીવ્ર વાંધો’ ઊઠાવ્યો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે, આ કોન્ટ્રાક્ટ સપોર્ટિંગ ઈલેક્ટ્રિસિટી સપ્લાય રિલાયેબિલિટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટના ભાગરૃપે અપાયો હતો. આ પ્રોજેક્ટનો અમલ સિલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડ (સીઈબી) દ્વારા કરાયો હતો અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)એ તેને ભંડોળ પૂરું પાડયું હતું.