કોપનહેગન,
મેગ્ડેલિના એન્ડરસનને ગત સપ્તાહે જ્યારે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા ત્યારે સિવ્ડનના નાગરિકોમાં અને વિશેષ કરીને મહિલાઓમાં એક પ્રકારના ગૌરવની લાગણી ઉભી થઇ હતી, કેમ કે સ્વિડન વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જ્યાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે કોપિણ પ્રકારનો ભેદભાવ રખાયો નથી.સ્વિડનમાં ગત સપ્તાહે થોડાં કલાકો માટે સ્વિડનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્તિ પામેલા મેગ્ડેલિના એન્ડરસનને સોમવારે ફરીથી દેશના વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ગત સપ્તાહે જ્યારે એન્ડરસનને સ્વિડનના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું ત્યારે તેમને ખુબ આનંદ થયો હતો પરંતુ તેમનો આનંદ અને ખુશી લાંબો સમય સુધી ટકી શકી નહોતી, કેમ કે સ્વિડનની સંસદમાં સત્તાધારી ગઠબંધને જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે સંસદમાં તે બજેટનો કારમો પરાજય થયો હતો જેના પગલે એન્ડરસનને હોદ્દા ઉપરથી ઉતરી જવાની ફરજ પડી હતી. ૩૪૯ સંસદસભ્યોની સંસદમાં સોમવારે યોજાયેલા મતદાનમાં ૧૭૩ વિ. ૧૦૧ મતે એન્ડરસનને સત્તાધારી ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ મતદાનમાં ૭૫ સાંસદોએ મતદાનમાં ભાગ ન લેતાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું હતું. હવે એન્ડરસન એક પક્ષની લઘુમતી સરકારની રચના કરશે. મંગળવારે કેબિનેટના અન્ય પ્રધાનોના નામોની અને તેઓના ખાતાઓની જાહેરાત થવાની શક્યતા છે.
