ન્યુંયોર્ક,
નોર્વેમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની રસીના બન્ને ડોઝ લેનારાઓને બૂસ્ટર ડોઝના નામે વધુ એક ડોઝ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે યુરોપના દેશોમાં કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે. ઓસ્ટ્રિયાએ રસી નહીં લેનારાઓ માટે સોમવારથી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે રસી નહીં લેનારા લોકો ઘરની બહાર નીકળી શકશે નહીં.આ પહેલા શુક્રવારે નેધરલેન્ડ્સે ત્રણ સપ્તાહના અંશતઃ લૉકડાઉનની જાહેરાત કરી હતી. જર્મનીએ પણ મોટાપાયે કોવિડ ટેસ્ટ ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ફરી લાગુ કર્યા છે.ગરીબ દેશોમાં પ્રથમ ડોઝ નથી મળ્યો ત્યારે બૂસ્ટર ડોઝ મુર્ખામીઃ ટેડોર્સ ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં કોરોનાની રસીના ડોઝ ઉપરાંત બૂસ્ટર ડૉઝ આપવાની પણ તરફેણ થઈ રહી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ બૂસ્ટર ડોઝને મોટું કૌભાંડ ગણાવ્યું છે. ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડોર્સ ગેબ્રીયસીસે જણાવ્યું હતું કે દુનિયાભરમાં હાલ હેલ્થ વર્કર્સ, વૃદ્ધો તથા બીમાર લોકોને રસીનો પ્રથમ ડૉઝ પણ મળ્યો નથી ત્યારે પુખ્તવયના તંદુરસ્ત લોકો અને બાળકોને બૂસ્ટર ડૉઝ આપવું એ મુર્ખામી છે. ટેડોર્સે બૂસ્ટર ડોઝની જમાખોરી અને તેના રસીકરણની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલ ઓછી આવક ધરાવતા દેશોમાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવે એનાથી છ ગણી વધુ સંખ્યામાં અન્ય દેશોમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યાં છે. ટેડોર્સે કહ્યું હતું કે માત્ર કેટલા લોકોને રસી આપવામાં આવી છે એટલું પૂરતું નથી પણ કોને રસી આપવામાં આવી રહી છે એ પણ મહત્ત્વનું છે.