વોશિંગ્ટન ,
ચીન અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સાથે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના આધારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તથા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો તથા સિદ્ધાંતોના આધારે આંતરરાષ્ટ્રીય સંબંધોને નિયંત્રિત કરનારા મૂળભૂત માપદંડોનો અમલ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે ચીન-અમેરિકાના સહયોગ વિના બહુપક્ષવાદ અધૂરો છે. ચીની વિદેશ મંત્રાલયે આ બેઠકને વ્યાપક, ગંભીર, સ્પષ્ટવાદી, રચનાત્મક, વાસ્તવિક અને ઉત્પાદક ગણાવી હતી.અમેરિકા અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે તેવા સમયમાં અમેરિકન પ્રમુખ બાઈડેન અને ચીનના પ્રમુખ શી જિનપિંગે ઓનલાઈન બેઠક કરી હતી. ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં બાઈડેને ‘સ્વતંત્ર અને મુક્ત’ હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રમાં તેની કટિબદ્ધતાઓ જાળવી રાખવા માટે અમેરિકાના દૃઢ સંકલ્પ અંગે જણાવ્યું હતું. બીજીબાજુ જિનપિંગે તાઈવાન મુદ્દે અમેરિકા આગ સાથે રમી રહ્યું હોવાની ચેતવણી આપી હતી. બંને દેશના પ્રમુખો શરૂઆતમાં બેઠક યોજવા માટે ખચકાતા હતા. વિશ્વમાં કોરોના મહામારી ફેલાયા પછી જિનપિંગ ચીનમાંથી બહાર નિકળ્યા ન હોવાથી બાઈડેન અને જિનપિંગ વચ્ચે ઓનલાઈન બેઠક યોજવાનો ર્નિણય લેવાયો હતો. બંને દેશના પ્રમુખો વચ્ચે આ બેઠક ૩.૨૪ કલાક જેટલો લાંબો સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં અમેરિકન પ્રમુખ બાઈડેને અનેક મુદ્દાઓ પર અમેરિકાના આશયો અને પ્રાથમિક્તાઓ અંગે ચીની પ્રમુખ સાથે ખુલીને અને પ્રત્યક્ષ રીતે વાત કરવાની તકનું સ્વાગત કર્યું હતું. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ બાઈડેને કહ્યું કે અમેરિકા તેના હિતો અને મૂલ્યો માટે હંમેશા ઊભું રહેશે અને તેના સહયોગીઓ અને ભાગીદારો સાથે મળીને ૨૧મી સદીના રસ્તામાં એક એવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આગળ વધારશે, જે સ્વતંત્ર, મુક્ત અને નિષ્પક્ષ હોય. વ્હાઈટ હાઉસના નિવેદનમાં જણાવાયું કે પ્રમુખ બાઈડેને શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગમાં ચીનના વલણની સાથે માનવાધિકારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાએ તાઈવાન સંબંધિત ‘વન ચાઈના’ નીતિ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપરાંત બંને દેશોએ ઊર્જા-જળવાયુ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો હતો. બીજીબાજુ આ બેઠક પછી ચીની મીડિયાએ જણાવ્યું કે પ્રમુખ શી જિનપિંગે અમેરિકન પ્રમુખને કહ્યું કે તાઈવાનની આઝાદી ઈચ્છનારા લોકો વિરુદ્ધ નિર્ણાયક ઉપાય કરવા પડશે. અલગતાવાદીઓ રેડ લાઈન પાર કરશે તો ચીને આકરા પગલાં લેવા પડશે. ચીન સ્વશાસિત તાઈવાન પોતાનું હોવાનો દાવો કરે છે જ્યારે ચીને જાહેર કર્યું છે કે જરૂર પડશે તો તે બળપૂર્વક તાઈવાનને તેના નિયંત્રણ હેઠળ લાવી શકે છે.
