કાબુલ
તાલિબાનના પ્રવક્તા બિલાલ કરિમિએ જણાવ્યું હતું કે, આ હુમલામાં તાલિબાની ફાઈટર્સને કોઈ નુકસાન થયું નથી. માર્યા ગયેલા લોકો સામાન્ય નાગરિકો હતા. તેમણે કહ્યું કે આ હુમલાની તપાસ શરૂ કરી દેવાઈ છે. હુમલા પછી તાલિબાનોએ આ વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. દરમિયાન ચીનની થિંકટેંકનું પણ માનવું છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં આંતરિક જૂથોમાં એકતા અને મુક્ત તેમજ સમાવેશક સરકાર સ્થાપવા સહિતના અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ચીન અફઘાન આતંકી જૂથ તાલિબાનને સમાવેશક સરકારના તેના વચનો પૂરા કરવાં દબાણ કરી રહ્યું છે. તાલિબાનની વચગાળાની સરકાર વૈશ્વિક માન્યતા મેળવવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં જણાવાયું હતું કે, ચીન અને પાકિસ્તાને મુક્ત અને સમાવેશક સરકાર સ્થાપવા તથા નરમ સ્થાનિક તથા વિદેશી નીતિના અમલ માટે તાલિબાનને મદદ કરવી જાેઈએ. ચીનનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનો હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે, જેમાં પહેલું તાલિબાનોમાં જ એકતાનો અભાવ જાેવા મળી રહ્યો છે. બીજું તાલિબાનો મુક્ત અને સમાવેશક સરકાર સ્થાપવામાં નિષ્ફળ ગયા છે. ત્રીજું ખાદ્યાન્નની અછતથી અફઘાનિસ્તાન ગંભીર માનવીય કટોકટીનો સામનો કરી શકે છે. ચોથું તાલિબાનોને આંતરરાષ્ટ્રીય સમાજની માન્યતા અને સહાય મળવાની આશા છે, પરંતુ તાલિબાનોની કથની અને કરનીમાં આસમાન જમીનનું અંતર હોવાથી તે આંતરરાષ્ટ્રીય સમાજના ધિક્કાર, પ્રતિબંધોનો સામનો કરી શકે છે. ચીને હજુ સુધી તાલિબાનની સરકારને સત્તાવાર માન્યતા નથી આપી, પરંતુ તેણે કાબુલમાં તેનું દૂતાવાસ ચાલુ રાખ્યું છે. પાકિસ્તાન, રશિયાએ પણ તેમના દૂતાવાસ ચાલુ રાખ્યા છે.અફઘાનિસ્તાનમાં એક સમયે આતંકી હુમલાઓ કરી રહેલા તાલિબાને કાબુલ પર કબજાે કરીને સત્તા સ્થાપ્યા પછી હવે તેની સામે પણ દુશ્મનો માથું ઉંચકી રહ્યા છે અને તેણે આતંકી હુમલાનો ભોગ બનવું પડી રહ્યું છે. તાલિબાનોએ ૧૫મી ઑગસ્ટે કાબુલ પર કબજાે કર્યા પછી નવી સરકાર બનાવી ત્યારથી તાલિબાની ફાઈટર્સને નિશાન બનાવાઈ રહ્યા છે. આ શ્રેણીમાં રવિવારે રાજધાની કાબુલની બીજી સૌથી મોટી મસ્જિદ ઈદગાહમાં એક તાલિબાની નેતાની માતાની શોકસભા ચાલી રહી હતી ત્યારે મસ્જિદ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા અને અનેક ઘાયલ થયા હતા. કાબુલની બીજી સૌથી મોટી મસ્જિદ ઈદગાહમાં તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદના માતાની શોકસભા યોજાઈ હતી. આથી મોટી સંખ્યામાં તાલિબાની સભ્યો અને નાગરિકો હાજર હતા. લોકોની ભારે ભીડ વચ્ચે જ દરવાજા પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વિદાય પછી કાબુલમાં આ મોટો આતંકી હુમલો છે. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી, પરંતુ આ હુમલા પાછળ આઈએસ જવાબદાર હોવાનું મનાય છે. તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યા પછી ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)એ સતત તાલિબાનો પર હુમલા વધાર્યા છે. આ પહેલા જલાલાબાદમાં શનિવારે થયેલા એક હુમલામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ શનિવારે સાંજે આ હુમલો થયો હતો. શુક્રવારે પણ તાલિબાનની ગાડીને નિશાન બનાવી હુમલો કરાયો હતો. આ હુમલાઓને જાેતાં બંને કટ્ટરવાદી જૂથો વચ્ચે સંઘર્ષ વ્યાપક બન્યો હોવાનું મનાય છે. અફઘાનિસ્તાનના નાન્ગરહાર પ્રાંતમાં તાલિબાનોના દુશ્મન તરીકે આઈએસનું પ્રભુત્વ છે અને તેણે જલાલાબાદમાં તાલિબાનો પર હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી.