International

બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના એક દિવસમાં ૧૦,૦૦૦ નવા કેસ મળ્યા, સ્થિતિ બેકાબૂ થઇ

બ્રિટેન
ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, સાથે જ ડેલ્ટા વેરિઅન્ટ પણ ઘણા ભાગોમાં તબાહી મચાવી રહ્યું છે. દરમિયાન, ઓમિક્રોન લંડન અને સ્કોટલેન્ડમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. લંડનમાં કોવિડ-૧૯થી સંક્રમિત હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ૧,૫૩૪નો ઉછાળો આવ્યો છે. આ સંખ્યા ગયા સપ્તાહની સરખામણીએ ૨૮.૬ ટકા વધુ છે. રસીકરણ વિશે વાત કરીએ તો યુકેમાં અડધા પુખ્ત વયના લોકોને કોવિડ-૧૯નો બૂસ્ટર ડોઝ મળ્યો છે. યુકેમાં કોરોના વાઈરસનું ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં તેના કેસની કુલ સંખ્યા વધીને ૨૫,૦૦૦ની નજીક પહોંચી ગઈ છે. આ સાથે જ જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૭ થઈ ગઈ છે. યુકેના આરોગ્ય અધિકારીઓએ આ માહિતી આપી છે. આ ઝડપથી ફેલાતા વેરિઅન્ટના કુલ કેસ હવે ૨૪,૯૬૮ છે. આશ્ચર્યજનક રીતે ૨૪ કલાકની અંદર ૧૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. શનિવારે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે ૧૬ ડિસેમ્બર સુધી મૃત્યુઆંક ૭ થઈ ગયો છે. લોકોનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર ૬૫ ટકાથી વધીને ૮૫ ટકા થયો છે. બ્રિટિશ સરકાર મહિનાના અંતમાં બે અઠવાડિયાના લોકડાઉનની યોજના બનાવી રહી છે. આ ક્રિસમસ પછી થઈ શકે છે. આ માટે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે મુજબ ઈન્ડોર મીટીંગો પર કામ સિવાય પ્રતિબંધ રહેશે. પબ અને રેસ્ટોરન્ટને આઉટડોર સર્વિસ ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે. યુકેના વડાપ્રધાન બોરિસ જાેન્સન પ્લાન સી હેઠળ ઘણા વિકલ્પો રજૂ કરશે. જેમાં લોકો પર પ્રતિબંધ મૂકવાની વાત થશે. સરકારના કટોકટી અંગેના નિષ્ણાતોના સલાહકાર જૂથે સરકારને ટૂંક સમયમાં કડક નિયંત્રણો લાગુ કરવા જણાવ્યું છે. દેશમાં લોકડાઉન લાગુ થવાનો ભય વધી ગયો છે. શુક્રવારે રેકોર્ડ સંખ્યામાં ૯૩,૦૪૫ કેસ નોંધાયા હતા. જે ગુરુવારે નોંધાયેલા રેકોર્ડ ૮૮,૩૭૬ કેસ કરતાં ૪,૬૬૯ વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *