મોસ્કો
રશિયામાં સાત દિવસમાં સતત પાંચમાં દિવસે દૈનિક સૌથી વધારે કોરોના કેસો નોંધાવાનો વિક્રમ સર્જાયો હતો. આજે કોરોનાના નવા ૪૦,૦૦૦ કેસો નોંધાયા હતા અને ૧૧૮૯ના મોત થયા હતા. રશિયાએ કોરોનાને કાબૂમાં લેવા માટે જ રજાઓ જાહેર કરી હતી તેનો આજે પાંચમો દિવસ હોવા છતાં કોરોનાના કેસોની સંખ્યા ઘટવાને બદલે વધેલી જણાઇ હતી. રશિયાના ત્રણ પ્રાંતો નોવગોરોડ, ટોમસ્ક અને ચેલ્યાબિન્સ્કમાં રજાઓને એક વધારે સપ્તાહ માટે લંબાવવામાં આવી છે. ટોમ્સ્કના ગવર્નર સર્ગેઇ ઝાવાચકિને જણાવ્યું હતું કે કોરોનાના ચેપની ચેઇન તોડવા માટે એક સપ્તાહનો કાર્ય મુક્ત ગાળો પૂરતો નથી. આ ઉપરાંત બીજા ત્રણ પ્રાંતના ગવર્નર્સ પણ આ કાર્યમુક્ત ગાળો એટલે કે રજાઓને લંબાવવા માટે વિચારણા કરી રહ્યા છે. રશિયામાં રજાઓ જાહેર કર્યાના પાંચ દિવસ થવા છતાં કોરોનાના કેસો અને મરણાંક સતત વધી જ રહ્યા છે તો બીજી તરફ યુરોપમાં પણ સતત પાંચમાં દિવસે કોરોનાના નવા કેસોની સંખ્યા વધી હતી. એ જ રીતે ચીનમાં પણ કોરોનાના નવા સો કેસો નોંધાયા હતા. આમ, ફરી એકવાર કોરોના મહામારી ચોતરફ વકરી રહી છે. સરકારી આંકડા અનુસાર યુએસમાં પાંચથી અગિયાર વર્ષના ૮૩૦૦ કરતાં વધારે બાળકો હોસ્પિટલમાં કોરોનાના ચેપની સારવાર મેળવી રહ્યા છે અને તેમાંથી ત્રીજા ભાગના બાળકોને આઇસીયુ સારવાર આપવાની જરૂર પડી છે. સીડીસી દ્વારા આ વયજૂથમાં કોરોનાના ચેપને કારણે ૯૪ મોત નોંધાયા હોવાનું જણાવાયું હતું. બીજી તરફ ચીનમાં બુધવારે સો કરતાં વધારે કોરોનાના નવા કેસો નોંધાયા હતા. જેમાં બિજિંગમાં જ નવ કેસો નવા નોંધાયા હતા. નવા કેસોમાં ૩૫ કેસો રશિયાની સરહદે આવેલા હેઇલોજિઆંગમાં, ૧૪ હેબેઇમાં, ૧૪ ગાંસુમાં, ૯ બિજિંગમાં, છ ઇનર મોંગોલિયામાં, ચાર-ચાર કેસો ચોંગકિંગ-કિંગહાઇમાં અને બેબે કેસો જિઆંગચી, યુનાન અને નિંગચીયામાં અને એક કેસ સીચુઆનમાં નોંધાયો હતો. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે ચીનમાં કોરોનાના કુલ ૯૭,૪૨૩ કેસો નોંધાયા છે અને ૪૬૩૬ જણાના મોત થયા છે. જ્યારે એક હજાર લોકો સારવાર મેળવી રહ્યા છે જેમાં ૩૭ જણાની હાલત ગંભીર છે. ચીનમાં ૭૬ ટકા લોકોનું રસીકરણ થઇ ગયું હોવા છતાં સમયાંતરે કોરોનાના નવા કેસો ફાટી નીકળે છે. દરમ્યાન ઇંગ્લેન્ડમાં ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જાેનાથન વાન ટામે જણાવ્યું હતું કે ઘણા લોકો એમ માનવા માંડયા છે કે કોરોના મહામારી પુરી થઇ ગઇ છે પણ નવા કેસો અને વધતો મરણનો દર સૂચવે છે કે શિયાળામાં આકરી મહામારીનો સામનો કરવો પડે તેમ છે. હવે કોરોનાના નવા કેસો વૃદ્ધોમાં નોંધાઇ રહ્યા છે. બ્રિટનની સરકારના જણાવ્યા અનુસાર મંગળવારે કોરોનાના નવા ૩૩,૩૮૫ કેસો નોંધાયા હતા અને ૨૯૩ના મોત થયા હતા. મોટાભાગના લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે અને હવે ૫૦ કરતાં વધારે વયના લોકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ યુરોપમાં સતત પાંચમા દિવસે કોરોનાના કેસોમાં વધારો જાેવા મળ્યો હતો.
