વૉશિંગ્ટન
ફાઇઝરની કોરોના રસીને મંજૂરી મળ્યા બાદ નવેમ્બરથી બાળકોને કોરોનાની રસી મળવા માંડશે. ડેલ્ટા વેરિઅન્ટને કારણે છેલ્લા છ સપ્તાહમાં જ ૧૧ લાખ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી બાળકો માટે પણ કોરોનાની રસી વિકસાવવામાં આવી છે. કોરોનાને કારણે યુએસમાં ૧૮ વર્ષ કે તેથી ઓછી ઉંમરના ૬૩૦ અમેરિકનોના મોત થયા છે.દુનિયામાં કોરોનાના નવા ૧,૯૪,૭૧૮ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૪૩,૯૦૯,૨૮૫ થઇ છે જ્યારે ૩૩૩૩ મરણ થવાને પગલે કુલ કોરોના મરણાંક ૪૯,૫૬,૩૯૧ થયો હતો. યુએસમાં કોરોનાના નવા ૧૪૩૮ અને ભારતમાં કોરોનાના નવા ૨૫૦૭ કેસો નોંધાયા હતા. યુએસમાં કોરોનાના નવા ૮૨,૪૮૩ કેસો નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪૬,૨૬૪,૫૯૬ થઇ હતી અને ૧૬૧૦ જણાના મોત થતાં કોરોના મરણાંક વધીને ૭,૫૫,૭૨૧ થયો હતો. એ જ રીતે યુકેમાં કોરોનાના નવા ૪૯,૨૯૮ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૮૬,૮૯,૯૪૯ થઇ હતી અને ૧૮૦ના મોત થતાં કુલ કોરોના મરણાંક ૧,૩૯,૩૨૬ થયો હતો. જાે કે, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે ૨૩,૭૮૫ કોરોનાના કેસો યુક્રેઇનમાં નોંધાયા હતા અને ૬૧૪ જણાના મોત થયા હતા. યુક્રેઇનમાં સતત બીજે દિવસે કોરોનાના સૌથી વધારે કેસો નોંધાયા હતા. પાટનગર કીવમાં સ્કૂલોને પખવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે. કીવથી પશ્ચિમે ૩૦૦ કિલોમીટરના અંતરે આવેલા રિવિન શહેરમાં શહેરની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાઇ ગઇ છે અને ડોક્ટરોએે સ્થિતિને અગાઉ કરતાં વધારે ખરાબ હોવાનું જણાવ્યું હતું. દર્દીઓની ઉંમર આ વખતે પ્રમાણમાં નાની છે.ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરીસ્કીએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ધારાસભ્ય નાદિયા સાવચેન્કો શુક્રવારે યુક્રેઇન પરત આવી ત્યારે તેણે રસીકરણનો બનાવટી પુરાવો રજૂ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે દેશની ૧૫ હોસ્પિટલોમાં કર્મચારીઓ રસીના બનાવટી પ્રમાણપત્રો જારી કરવામાં સંડોવાયેલા જણાયા છે. દરમ્યાન રશિયામાં આજે પણ કોરોનાના નવા ૩૭,૬૭૮ કેસો નોંધાયા હતા અને ૧૦૭૫ જણાના મોત થયા હતા. સપ્ટેમ્બરની સરખામણીમાં કોરોનાનો દૈનિક મરણાંક ૩૦ ટકા વધ્યો છે તો નવા કેસોની સંખ્યામાં ૭૦ ટકાનો વધારો થયો છે. બીજી તરફ ચીનમાં બિજિંગમાં આજે કોરોનાના નવા પાંચ કેસો ઉમેરાતાં કુલ કેસોની સંખ્યા નવ પર પહોંચી હતી. જ્યારે અન્ય પ્રાંતોમાં કોરોનાના નવા ૩૮ કેસો નોંધાયા હતા. દરમ્યાન સિંગાપોરે બંગલાદેશ, નેપાળ, ભારત,મ્યાનમાર, પાકિસ્તાન અને શ્રીલંકાથી આવતાં પ્રવાસીઓ માટે સિંગાપોરની સરહદો બુધવારથી ખોલી નાંખવાની જાહેરાત કરી છે. દરમ્યાન યુએસમાં ફેડરલ હેલ્થ રેગ્યુલેટર્સે ફાઇઝરની પાંચથી અગિયાર વર્ષના બાળકો માટેની કોરોના રસી અસરકારક જણાઇ હોવાનું અને તેમાં સલામતિના કોઇ ઇશ્યુ ન હોવાનું જણાવ્યું હતું.
