કાબુલ
અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે કર્યા બાદ અન્ય દેશોએ મદદ કરવાનું બંધ કરી દીધુ છે. હવે એવા અહેવાલો છે કે અમેરિકા સહિતના પશ્ચિમી અને અન્ય દેશો અફઘાનિસ્તાનના નાગરિકોને મદદ તો કરશે પણ તેમાં તાલિબાનને વચ્ચે નહીં આવવા દેવાય. આ માટે એક યોજના બનાવાઇ રહી છે જે મુજબ હવે આકાશમાંથી પૈસાનો વરસાદ કરવામાં આવશે કે જેથી આ પૈસા અને અન્ય વસ્તુઓ સીધી અફઘાનિસ્તાનના નાગરિકોના હાથમાં આવે અને તાલિબાનને સાઇડલાઇન કરી શકાય. હાલ અફઘાનિસ્તાનમાં ભુખમરા જેવી સ્થિતિ છે જેને પગલે બાળકોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે એવામાં અન્ય દેશોની મદદ મળવી તેમના જીવન માટે અત્યંત જરુરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ શરૃ થયેલા આતંકી હુમલા દિવસે ને દિવસે મોટુ સ્વરુપ ધારણ કરી રહ્યા છે. અહીં આઇએસ નામનું આતંકી સંગઠન નાગરિકો અને તાલિબાનોને નિશાન બનાવી હુમલા કરી રહ્યું છે. આવો જ એક હુમલો કુંઝુદ પ્રાંતમાં શિયા મુસ્લિમોની મસ્જિદ પર કરવામાં આવ્યો હતો જેમાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા મોટા ભાગના શિયા મુસ્લિમો છે. આ હુમલાની જવાબદારી આઇએસએ નથી લીધી, જાેકે તાલિબાને સત્તા મેળવી પછી અફઘાનિસ્તાનમાં સૌથી વધુ હુમલા આઇએસ જ કરતુ આવ્યું છે તેથી તાલિબાનને પણ આ સંગઠન પર જ શંકા છે. જે કુંઝુદ પ્રાંતમાં આ હુમલો થયો ત્યાંના પોલીસ વડા દોસ્ત મોહમ્મદ ઓબૈદાએ કહ્યું હતું કે આ હુમલામાં મસ્જિદમાં હાજર મોટા ભાગના લોકો માર્યા ગયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો, હુમલાખોર આતંકીએ મસ્જિદમાં લોકોની વચ્ચે જઇને પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. સાથે હવે તાલિબાને ખાતરી આપી છે કે અફઘાનિસ્તાનમાં રહેતા શિયા મુસ્લિમોની સુરક્ષાની જવાબદારી અમારી છે અને કોઇ પણ હુમલાખોરને છોડવામાં નહીં આવે. ૩૦મી ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટોએ પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા તે બાદ આ સૌથી મોટો આતંકી હુમલો છે. આ હુમલા બાદ અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. હાલ અફઘાનિસ્તાનમાં આઇએસને ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસન તરીકે જાણીતુ છે. જેણે અગાઉ અનેક નાના મોટા હુમલા કર્યા હતા અને તેમાં તાલિબાનને પણ નિશાન બનાવ્યું હતું. આઇએસએ શિયા મુસ્લિમો સામે યુદ્ધની જાહેરાત પણ કરી હતી અને અનેક શિયાઓની હત્યા કરી છે.