અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે કરતાં જ ચોમેર અરાજકતા ફેલાઈ ગઈ હતી. તાલિબાન શાસનના બે મહિનામાં તો એવી સ્થિતિ સર્જાઈ કે લોકો બે ટંકના ભોજન માટે રસ્તા પર ઊભા ઘરવખરી વેચવા મજબૂર બની ગયા હતા. ગરીબી અને બેરોજગારીને કારણે કાબુલના રસ્તાઓ પર ઘરવખરી વેચનારાઓની ભીડ વધી જતાં ટ્રાફિકજામ થવા લાગ્યો. કોઈ નોકરી ના હોવાથી લોકો રસ્તા પર વસ્ત્રો, ગાદલા ગોદડા, પલંગ, વાસણો સુધ્ધાં વેચવા લાગ્યા. સડક પર ઘરવખરી વેચવા બેઠેલા લોકો કહી રહ્યા હતા કે ગુજરાન માટે કાંઈ બચ્યું નથી, નોકરી છે નહીં તેવામાં બે ટંકનું ભોજન મેળવવા ઘરવખરી વેચવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. માત્ર કાબુલ જ નહીં પણ સમગ્ર અફઘાનિસ્તાનની આ જ સ્થિતિ હતી. લોકોને હોસ્પિટલમાં સારવાર અને દુકાનોમાં દવાઓ પણ ઉપલબ્ધ નહોતી. વિદેશોમાંથી થતી રહેતી આયાત ઠપ થઈ જતાં ખાવાપીવાની ચીજવસ્તુઓની અછત સર્જાઈ હતી. અંતરિયાળ વિસ્તારોમાં તો ચીજવસ્તુના વિનિમયથી જ વ્યવહારો ચાલવા લાગ્યા હતા. લોકો કાબુલના રસ્તાઓ પર ઘરવખરી વેચવા બેસી જતાં અધિકારીઓ વ્યવસ્થાને મુદ્દે ચિંતિત થયા હતા. શહેરમાં ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે ગ્રીન સ્પેસ નામના વિસ્તારની રચના કરીને ફેરિયાઓને માત્ર ત્યાં જ સામગ્રી વેચવા કહેવાયું હતું. શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા ના સર્જાય અને સ્વચ્છતા જળવાય તે માટે અધિકારીઓએ ફેરિયા પોતાની માલસામગ્રી વેચી શકે તે હેતુસર ગ્રીન સ્પેસ વિસ્તાર ઊભો કરવા વિચારી રહ્યા છે.